- મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો
- ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે થશે તપાસ
- હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન કરાયું
નવી દિલ્હી: મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે તપાસ થશે. હકીકતમાં, હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકાત્તા હાઇકોર્ટના આદેશ બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, જે હિંસાના મામલાની તપાસ કરશે અને કોર્ટને રિપોર્ટ પરત કરશે. સમિતિની રચનાનો વિરોધ કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ એક મોટો ઝટકો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર માનવાધિકાર પંચના ચેરમેન નિવૃત્ત જસ્ટિસ અરુણ મિશ્રાએ સમિતિનું ગઠન કર્યું છે. આ 7 સભ્યોની સમિતિમાં અલ્પસંખ્યક આયોગના ઉપાધ્યક્ષ આતિફ રશીદ, મહિલા આયોગના સભ્ય રાજુલબેન એલ.દેસાઇ, પશ્વિમ બંગાળ માનવાધિકાર પંચના રજીસ્ટ્રાર પ્રદીપ કુમાર પંજાને સામેલ છે. માનવાધિકાર પંચના સભ્ય રાજીવ જૈન આ સમિતિની અધ્યક્ષતા કરશે.
ભાજપે પણ હાઇકોર્ટ તરફથી સમિતિની રચનાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. હાઇકોર્ટના આ નિર્ણયને લઇને સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તેનાથી પીડિતાનો વિશ્વાસ મજબૂત થશે.
સ્મૃતિ ઇરાનીએ મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, આખરે તે ક્યાં સુધી ચુપ રહેશે. તેમણે આજ સુધી જોયું નથી કે કોઇ સીએમ માત્ર એટલા માટે લોકોને મરતા જોતા રહે કારણ કે તેણે તેમને મત આપ્યો નથી.
રાજ્યપાલ જગદીપ ધનખડેએ પણ મમતા સરકાર પર પ્રહાર કર્યા હતા કે, હું હેરાન છું કે ચૂંટણી સમાપ્ત થયાના 7 સપ્તાહ બાદ પણ આ પ્રકારની સ્થિતિને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.