- આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી
- 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ
લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી છે.
ધર્માંતરણના પ્રકરણ મુદ્દે અયોધ્યા સરયૂ આરતી સમિતિના મહંત શશિકાંત દાસજીએ જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. આવા પ્રકારના લોકો દેશમાં રહી રહ્યાં છે જે લોકોને ફોસલાવી સમજાવીને ધર્મપરિવર્તન કરાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ. તેમજ આ અંગે યોગ્ય કાયદો બનાવવો જોઈએ.
અયોધ્યા રામઘાટ સ્થિત તપસ્વી છાવણીના મંહત જગતગુરુ પરમહંસ દાસજીએ જણાવ્યું હતું કે, યુપી એટીએસની કામગીરી સરાહનીય છે. કેન્દ્ર સરકારે બંને આરોપીઓને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. દેશમાં સંવિધાનના રક્ષણ માટે જનસંખ્યા નિયંત્રણ કાનૂન ઝડપથી લાગુ કરવો જોઈએ. આવા સંગઠનો આઈએસઆઈ સાથે જોડાયેલા હોય છે. જેથી આરોપીઓને 24 કલાકની અંદર જ ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના પ્રકરણનો પ્રદાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત હિન્દુ સંગઠનોમાં પણ આ ઘટનાને પગલે રોષ ફેલાયો છે. તેમજ આ અંગે યોગ્ય કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.