રાજ્યમાં 25 વર્ષ જુની સોસાયટીઓના રિડેવલપમેન્ટનું ગુંચવાયેલુ કોકડું ઉકેલાય તેવી શક્યતા
અમદાવાદઃ રાજ્યમાં પચ્ચીસ વર્ષ કે તેથી જૂની હાઉસિંગ કોલોનીઓ, સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે સરકારે ઘણાં સમય પૂર્વે જાહેર કરેલી નીતિમાં કેટલાક વહીવટી સહિતની મુશ્કેલીઓના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો હતો. તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં માત્ર પશ્વિમ વિસ્તારમાં 122 જેટલી હાઉસિંગ કોલોનીના 19000 પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો માર્ગ મોકળો થશે. કેટલીક વહીવટી ગૂંચ હતી એના ઉકેલ માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ મહાનગરના રહેણાંક વિસ્તારોની કેટલીક સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટની દરખાસ્તોના અનિર્ણત મુદ્દા ઉપર એક કલાકથી વધુ સમય માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક સોસાયટીઓ, કોલોનીઓના રિ-ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે ઘણાં સમય પૂર્વે નીતિ જાહેર કરી હતી.
આ નીતિમાં અગાઉના 90 ટકા સભ્યોની સહમતીના સ્થાને 70 ટકા સભ્યોની સહમતી હોય તો દરખાસ્તને મંજૂરી આપવા સહિતના અનેક પાસાઓ સમાવાયા હતા. જોકે, જે સહમતી ન આપે અથવા તો પોતે મકાન ખાલી કરવા તૈયાર ન હોય એવા કિસ્સામાં શું કરવું સહિત નીતિના અમલ માટેના સ્પષ્ટ નિયમોના અભાવે શહેરમાં કેટલીય દરખાસ્તો અનિર્ણિત પડતર હતી. આ મુદ્દે અમિત શાહ સમક્ષ રજૂઆતો થતાં એમણે સંયુક્ત બેઠક યોજી હતી અને આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
શાહે જણાવ્યું કે ‘ગુજરાત સરકાર વહિવટી ગૂંચ દૂર કરવા માટે કામ કરશે જેથી એવી તમામ કોલોની જે 25 વર્ષથી જૂની છે અને તેમના રિડેવલોપમેન્ટની જરુર છે તેના કુલ 19000 જેટલા પરિવારો સારા વાતાવરણમાં એક નવું ઘર મળી રહેશે.