સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આ 3 તકેદારી રાખવી આવશ્યક
- કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી આવી શકે
- આ માટે ત્રણ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે
- માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને રસીકરણ જરૂરી
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના કેસો હવે સતત ઘટી રહ્યા છે. કોરોનાની બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે જો કે સામે ત્રીજી લહેરનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, જો સાવચેતી નહીં રાખવામાં આવે તો સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડેલો, સમયના મુદ્દા ને પરિમાણો વગેરેને આધારે આ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઑગસ્ટથી જ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શરૂઆત થશે અને ઑક્ટોબરમાં ત્રીજી લહેર દરમિયાન દરરોજ ત્રણ લાખ જેટલા કેસ આવવાની ધારણા છે. આ સ્થિતિમાં તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે.
માસ્ક જરૂરી
જો લોકો માસ્ક પહેરવામાં બેદરકારી રાકશે તો કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે. પરંતુ જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરશે તો લહેરથી બચી શકાય છે. તેઓ કહે છે કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ત્રીજી લહેરનો પીક ટાઇમ ઑક્ટોબર સુધીમાં આવી શકે છે.
બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ કોરોનાથી બચવા માટે ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરવાની વૈજ્ઞાનિકોએ વિનંતી કરી છે.
જો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતી રાખવામાં આવે અને તે ઉપરાંત દેશમાં રસીકરણનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે તો ત્રીજી લહેર મોડી આવી શકે છે અને પરિસ્થિતિ વધુ ભયંકર નહીં બને.