દિલ્હીઃ કોરોના મહામારીને પગલે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ ઈ-કોમર્સ કંપનીઓને પણ તેનો ફાયદો થયો છે. જો કે, ખાટી અને ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરતી ઈ-કોમર્સ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કવાયત સરકારે તેજ કરી છે. ઈ-કોમર્સ પ્લેટપોર્મ પર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ફ્લેશ સેલ પર પ્રતિબંધ મૂકવાની સરકારે તૈયારી હોવાનું જાણવા મળે છે. જોકે, કેટલીક મોટી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા અપાતા પર ડિસ્કાઉન્ટ અને સેલ પર કોઈ પ્રતિબંધ નહીં મૂકાય. આ સાથે સરકાર ગ્રાહક સંરક્ષણ (ઈ-કોમર્સ) નિયમ, 2020માં સુધારો કરે તેવી શકયતા છે. જેથી સરકારે પ્રજા પાસે સૂચનો મગાવ્યાં છે. જો કે, ગ્રાહક બાબતોના મંત્રાલય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારને ‘નિયંત્રિત નહીં કરે.’
ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર સામાન્ય ગ્રાહકો સાથે છેતરપિંડીની વધતી ઘટનાઓ પર લગામ લગાવવા માટે સરકાર છેલ્લા કેટલાક સમયથી પગલાં લેવા વિચારણા કરી રહી હતી. તેથી સરકારે ઈન્ટરનેટ પર શોધ પરિણામોમાં હેરાફેરી કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ખોટા ફ્લેશ સેલ, ગેરમાર્ગે દોરતા વેચાણ અને ઈ-કોમર્સ કંપનીઓમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમ, ૨૦૨૦ની મહત્વની દરખાસ્ત છે. સરકારે આ મુદ્દે ૬ઠ્ઠી જુલાઈ સુધીમાં લોકોના સૂચનો મગાવ્યા છે. સૂચિત નિયમમાં ઈ-કોમર્સની કંપનીઓ અને પ્લેટફોર્મના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) પર ફરજિયાત નોંધણી કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયમાં અધિક સચિવ નિધિ ખરેના જણાવ્યા અનુસાર મંત્રાલય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારને ‘નિયંત્રિત નહીં કરે.’ ઈ-કોમર્સ કંપનીઓએ નિયમોમાં સૂચિત ફેરફાર અંગે ગભરાવાની કોઈ જરૂર નથી. અમે માત્ર અમને કોઈ ફરિયાદ મળશે અથવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી કોઈ મુદ્દે સુઓ-મોટો લેશે તો તેવા ખોટા ફ્લેશ સેલ પર પગલાં લઈશું.