અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા એક સમયના પાસના આગેવાન અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપમાં જોડાવવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપ ની બી ટીમ ગણાવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટલી બદલુંની મોસમ શરૂ થતી હોય છે. જોકે હજુ વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે. બીજીબાજુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આપમાં જોડાય રહ્યાની અટકલો વહેતી થઈ હતી. આ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો હતો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટી ને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, આ બધુ જનતા નક્કી કરશે. કોંગ્રેસના નવા અધ્યક્ષ વહેલી તકે જાહેર થાય તે તેમના હિતમાં છે, નહિ તો આ પ્રકારના નિવેદનો આવતા રહેશે. ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો આપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી બધા ભાજપમા જોડાતા હતા. પહેલીવાર લોકો બીજી પાર્ટીમાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીની નજરમાં રહેવા માટે નિવેદનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ભાજપનો આર્થિક સપોર્ટ છે એ વાત આશ્ચર્યજનક છે. આપ પાસે સારુ કાર્યાલય નથી, ચૂંટણી લડવા માટે રૂપિયા નથી, ભાજપ જેવી ભવ્યતા નથી, છતા કોઈ આવુ કહેતા હોય તો તે હાસ્યસ્પદ વાત છે. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ કે, ગુજરાતના રાજકારણમાં આ બીજા નંબર માટેની લડાઈ છે. ભાજપ પહેલા નંબર છે. આપ અને કોંગ્રેસ વચ્ચે બીજા નંબર માટે
લડાઈ છે.