જીયો અને ગૂગલ ભારતમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન કરશે લૉન્ચ, રિલાયન્સ AGMમાં કરાઇ જાહેરાત
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM યોજાઇ
- ગૂગલ-જીયો ભારતમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે
- કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કરી જાહેરાત
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે સામાન્ય વાર્ષિક સભા (AGM) યોજાઇ હતી. આ એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયો અને ગૂગલની પાર્ટનરશિપનું એલાન કર્યું હતું.
એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં જીયો અને ગૂગલ દ્વારા નવો અને સસ્તો સ્માર્ટફોન જીયો નેકસ્ટ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન જીયો તેમજ ગૂગલના ફીચરથી સજ્જ હશે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ અને જીયોએ સંયુક્તપણે ડેવલપ કરી છે. આ સ્માર્ટફોન દરેક માણસને કિંમતની દૃષ્ટિએ પરવડે તે રીતે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત સાવ ઓછી હશે અને આગામી ગણેશ ચતુર્થીના દિવસે તેને લોન્ચ કરવામાં આવશે.
આ ફોન પર યૂઝર્સ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ્સ કરી શકશે. ખાસ કરીને ભારતીય માર્કેટને ધ્યાનમાં લઇને આ ફોનનું નિર્માણ કરાયું છે. સ્માર્ટફોનમાં કેમેરા પણ ઉચ્ચ ગુણવત્તાનો હશે તેમજ નિયમિતપણે એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. આ ફોન ભારતનો જ નહીં દુનિયાનો પણ સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
આપને જણાવી દઇએ કે રિલાયન્સ જીયોએ ગત વર્ષે જ ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી હતી. ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું હતું કે, અમારી ભાગીદારીનું આગળનું પગલું એક નવા અને સસ્તા ફોન સાથે ભરવામાં આવ્યું છે. આ ફોન ભારતને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. લાખો નવા યૂઝર્સ માટે શક્યતાઓના નવા દરવાજા ખોલશે. તેનાથી ભારતના ડિજીટલાઇઝેશનનો નવો યુગ શરૂ થશે.
5G લોન્ચિંગની યોજનાઓ અંગે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 5G સિસ્ટમ વિકસિત કરવા માટે તેમજ 5G ઇક્વિપમેન્ટ લૉન્ચ કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરી રહ્યાં છે. રિલાયન્સ જીયો ડેટાના વપરાશના મામલે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે.