1. Home
  2. ગુજરાતી
  3. કટોકટીકાળ : પત્રકારત્વની હત્યા અને ચોથી જાગીર જોહુકમી, જડતી અને જપ્તીનો શિકાર
કટોકટીકાળ : પત્રકારત્વની હત્યા અને ચોથી જાગીર જોહુકમી, જડતી અને જપ્તીનો શિકાર

કટોકટીકાળ : પત્રકારત્વની હત્યા અને ચોથી જાગીર જોહુકમી, જડતી અને જપ્તીનો શિકાર

0
Social Share

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર અખબારોપત્રકારો ગુલામ બન્યા!

ભવ્ય રાવલ (લેખકપત્રકાર)

સરમુખત્યારવાદી ઈંદિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા દેશ પર આંતરિક કટોકટી લાદી ત્યારે 25 જૂન, 1975નો દિવસ હતો. કટોકટી જાહેર થતા આંતરિક સુરક્ષા ધારો – MISA – Maintenance of International Security Act હેઠળ 1.5 લાખ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઠેરઠેર કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. દિવસે અખબારો પ્રસિદ્ધ થઈ શકે તે માટે ઇરાદાપૂર્વક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. કટોકટી દરમિયાન પ્રીસેન્સરશિપનો આદેશ થતા દેશભરના 35 હજારથી વધુ પ્રકાશનોના મોઢા બંધ થઈ ગયા હતા, હાથ બંધાઈ ગયા હતા, માત્ર આંખો ખુલી રહી ગઈ હતી, પહોળી થઈ ગઈ હતી. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત અખબારોપત્રકારોને ગુલામ બનાવી દેવામાં આવ્યા હતા! ગુલામીકાળથી એકલદોલક પત્રકારોની હત્યા થતી આવી હતી, કટોકટીકાળમાં આખેઆખા પત્રકારત્વની હત્યા થઈ હતી. ચોથી જાગીર જોહુકમી, જડતી અને જપ્તીનો શિકાર બની ગઈ હતી. માણસો સાથે મીડિયાના મૌલિક અધિકારોને પણ રાતોરાત મારી નાખવામાં આવ્યા હતા.

 કટોકટીકાળના પ્રથમ દિવસથી જ ઈંદિરા ગાંધીની સરકારે અખબારોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા હતા. મીડિયા – પ્રેસ વિરુદ્ધ કડક વલણ અપનાવવાનો હેતુ સ્પષ્ટ હતો : કટોકટી વિષયક સમાચાર સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ થવા ન દેવા, વર્તમાન સ્થિતિ વિશે જનતાને અંધારામાં રાખવી, દેશમાં ભયનો માહોલ ઉભો કરવો, જેથી સત્તા વિરોધી સૂર શમી જાય. ઉપરાંત સરકારની તાનાશાહીપૂર્ણ રણનીતિમાં પણ લોકતંત્રવાદી છબી જનતા સમક્ષ જાળવી શકાય. કટોકટી જાહેર થતા જ 25મી જૂનની રાત્રે અંગ્રેજી દૈનિક મધરલેન્ડના પ્રમુખ સંપાદક કે.આર. મલકાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. વીજ પુરવઠો ન હોવાને કારણે મધરલેન્ડ પણ અન્ય અખબારોની જેમ બીજા દિવસે પ્રકાશિત થઈ શક્યું ન હતું. બીજા દિવસે બપોરે વીજ પુરવઠો મળતા મધરલેન્ડે વધારો પ્રકાશિત કર્યો અને એની માંગ એટલી વધી કે, 10 પૈસાનું છાપું ક્યાંક 20 રૂપિયામાં તો ક્યાંક 25 રૂપિયામાં વહેંચાયું હતું! ત્યારબાદ ગાંધી સરકાર દ્વારા તરત જ મધરલેન્ડના કાર્યાલયને સીલ મારી દેવામાં આવ્યું હતું.

ઈમરજન્સી દરમિયાન શરૂઆતમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બધા અખબારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્તમાનપત્રો અને એજન્સીના કાર્યલય પર કબજો કરી લેવામાં આવ્યો હતો. છપાયેલા અખબારોના બંડલો બાળી નાખવામાં આવ્યા હતા, છાપાઓનું વિતરણ રોકી દેવામાં આવ્યું હતું. આ સ્થિતિ ફક્ત દિલ્હી કે મુંબઈમાં જ નહીં સમગ્ર દેશમાં હતી. કટોકટીના બીજા કે ત્રીજા દિવસે વીજ પુરવઠો શરૂ થતા સ્ટેટ્સમેન્ટ અને હિન્દુસ્તાન ટાઈમ્સના વધારા છપાયા ખરા, પણ બહાર ન પડી શક્યા. આ ઉપરાંત ગાંધી સરકાર દ્વારા સાપ્તાહિક પંચજન્ય, દૈનિક તરુણ ભારત, માસિક રાષ્ટ્રધર્મનું પ્રકાશન ખાસ બંધ કરાવવામાં આવ્યું હતું કારણ કે તે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા સમાચારપત્રો હતા. અખબારોના પ્રકાશકોએ જ્યારે આ જોહુકમી સામે ન્યાયાલયમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ગાંધી સરકાર દ્વારા કટોકટીકાળમાં પત્રકારો પર ગુજારવામાં આવેલી બર્બરતા વિશે પ્રખ્યાત પત્રકાર માર્ક ટૂલીએ કહ્યું છે કે, કટોકટી લાગૂ થયા બાદ 24 કલાકમાં મને દેશ છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કારણ કે હું સેન્સરશિપ સાથે સહમત ન હતો. મારી ધરપકડ કરવામાં આવી હતી, કપડાં ઉતારી નાખ્યા હતા, મને તમાચો મારવામાં આવ્યો હતો.

કટોકટીકાળમાં 3801 સમાચાર પત્રોનું ડિક્લેરેશન જપ્ત કરી લેવામાં આવ્યું હતું, 327 પત્રકારોને મીસા, ડીઆઈઆર (ડિફેન્સ ઓફ ઈંડિયા રૂલ્સ) અને અન્ય કાયદા હેઠળ જેલમાં બંધ કરી દીધા હતા અને 290 અખબારોની જાહેરખબરો પર રોક લગાવી દેવામાં આવી હતી. ગાંધી સરકાર દ્વારા ભારતીય પત્રકારોને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને વિદેશી પત્રકારોને દેશ છોડવા મજબૂર કરવામાં આવ્યા હતા. ધ વોશીંગ્ટન પોસ્ટ, બીબીસી, ટાઈમ, ગાર્ડિયન વગેરે સમાચાર સંસ્થાઓના પ્રતિનિધિઓને દેશ છોડવો પડ્યો હતો. અખબારી કાર્યાલયોનો વીજ પુરવઠો રોકી દેવામાં આવ્યા ઉપરાંત રોયટર જેવી સમાચાર એજન્સીનાં ટેલેક્સ અને ટેલીફોન પણ બંધ કરી નાખવામાં આવ્યા હતા. રતન મલકાણી, કુલદીપ નૈયર, દીનાનાથ મિશ્ર, વિરેન્દ્ર કપૂર, વિક્રમરાવ જેવા ખ્યાતનામ પત્રકારોને જેલમાં ધકેલી દેવાયા હતા અને 50થી વધુ જાણીતા-માનીતા પત્રકારોને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ, સ્ટેટ્સમેન, મેઈન સ્ટ્રીમ, ટિબ્યુન, ફ્રન્ટીયર, જનતા, મૈત્રી, ઓપિનિયન, ફ્રીડમ ફર્સ્ટ, નવભારત, પંચજન્ય, લોકવાણી, પ્રજાવાણી, અર્થવિકાસ, દિવ્યવાણી, વિક્રમ, આનંદબાઝાર પત્રિકા, ગણશક્તિ, કન્નપ્રભા, હિન્દ સમાચાર, દાસ્તાને વતન, થીકાથિર, વીરુનેવવેલી, મલાઈમારાસુ, યુગાન્તર, કલકત્તા, ચુનાવાણી, કવેસ્ટ, સેમિનાર, હિંમત, શંકર્સ વીકલી, કાલિકતા, ગરીકેટ રાસ્તા, પંચાયત, ગોલાપબાગ, તરુણ ભારત, લોકસત્તા, આપલા મહારાષ્ટ્ર, વ્યાપાર, કેસરી, દેશભિમાની વગેરે જેવા અંગ્રેજી, હિન્દી, મરાઠી, મલયાલમ, બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ, ઉર્દૂ ભાષાના અસંખ્ય પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીય અખબારો અને સામયિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એકાએક તેમનું પ્રકાશન બંધ થઈ ગયું હતું.

ઈંડિયન એક્સપ્રેસ અને સંદેશ જેવા અખબારોએ કટોકટીનો મૂકવિરોધ કરવા પોતાના તંત્રીલેખની જગ્યા ખાલી છોડતાની સાથે જ ગાંધી સરકારે વિવિધ અખબારોના તંત્રીઓની બેઠક બોલાવી ધમકી આપી હતી કે, જો તંત્રીલેખની જગ્યા ખાલી છોડશો તો તેને પણ ગુનો ગણવામાં આવશે અને તંત્રીઓએ એના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આ સાથે જ અખબારો છાપતા પહેલા સરકારી અધિકારીઓની મંજૂરી લેવી પડશે એવું કહી દેવામાં આવ્યું હતું. અખબારોમાં શું છપાશે, શું નહીં, એ અખબારનાં તંત્રી નહીં પરંતુ સેન્સર અધિકારીઓ નક્કી કરતા હતા. નાના-મોટા બધા જ અખબારો અને ન્યૂઝ એજન્સી પર સરકારના અધિકારીઓ દ્વારા બાજનજર રાખવામાં આવતી હતી. જીલ્લા વહિવટી સંસ્થાઓને આ અંગેની કામગીરી સોપવામાં આવી હતી. ગાંધી સરકાર વિરુદ્ધ એકપણ શબ્દ લખી ન શકાતો, સરકારી અધિકારીઓની મંજૂરી વિના એકપણ શબ્દ છાપી ન શકાતો. સરકાર વિરોધી લખાણ અને છપાણનું એક જ પરિણામ હતું – સરકારી પાંજરે પૂરાવવાનું.

ગાંધી સરકારની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાની દાદાગીરી વિરુદ્ધ કેટલાંક અખબારો અને રાજકીય-સામાજિક સ્વયંસેવી સંસ્થાઓએ ભૂગર્ભ સાહિત્ય પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાતમાં કટોકટીકાળ દરમિયાન જનતા છાપું, જનતા સમાચાર, સત્યાગ્રહ સમાચાર, નિર્ભર, મુક્તવાણી, દાંડિયો અને જનજાગૃતિ જેવા ભૂગર્ભ છાપા અનિયમિત બહાર પડતા હતા. અન્ય રાજ્યોમાં લોકશક્તિ, ચિનગારી, વંદે માતરમ, અરુણોદય, જનવાણી, જનસંઘર્ષ, દર્પણ, સંઘર્ષ, સંગ્રામ જેવા ભૂર્ગભ પત્ર પ્રકાશિત થતા હતા. આ સિવાય નાના-મોટા ચોપાનીયા પણ છપાતા હતા અને છાનેખૂણે વહેચાતા, વંચાતા પણ હતા. સમાચાર પત્રોમાં જે માહિતી વિગતવાર પ્રકાશિત થઈ શકતી ન હતી તે માહિતીના પ્રસાર-પ્રચારમાં નરેન્દ્ર મોદી જેવા સંઘ પ્રચારકોએ મુખ્ય ભૂમિકા ભજવેલી હતી. એ સમયે એવી અફવા ફેલવવામાં આવી કે, સરકાર વિરોધી કોઈપણ સાહિત્ય હાથમાં હોવું એ પણ દેશદ્રોહ ગણાશે. વાંચકોમાં આ અફવાએ ભય ઉભો કર્યો. પૈસા ખૂટી પડતા અને વાંચકોના ભયને કારણે ભૂગર્ભ છાપાઓ બંધ થયા. ગાંધી સરકારે સાચા સમાચારો જનતા સુધી ન પહોંચે અને સરકાર વિરોધી જનાક્રોશ ન વધે તે હેતુથી અવનવા રસ્તાઓ શોધી કાઢ્યા હતા. અખબારો પર સેન્સરશિપ લાગુ કરી દીધા બાદ અને સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ વખત અખબારો-પત્રકારોને ગુલામ બનાવી લેવાયા બાદ પણ સેન્સરશિપના કાયદામાં અનેકો વખત સુધારો કરવામાં આવ્યો હતો અને 11 ફેબ્રુઆરી 1976નાં રોજ આપત્તિજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ 1976 પસાર કરવામાં આવ્યો હતો. કટોકટી લાદવામાં આવ્યાના થોડા મહિનાઓ બાદ સમાચાર પત્રો પ્રસિદ્ધ કરવાના નિયમો થોડા હળવા કરવામાં આવતા અને કેટલાક અખબારોએ સરકારી નીતિઓ સ્વીકારી લેતા પત્રકારત્વ યંત્રવત તો થયું પરંતુ એ પત્રકારત્વ શ્યાહી વિનાની કલમ જેવું હતું.

ગુજરાતી દૈનિકોમાં સંદેશે કટોકટીનો સૌથી વધુ વિરોધ દર્શાવ્યો હતો. અમદાવાદથી પ્રસિદ્ધ થતા જનસત્તા અને રાજકોટથી પ્રસિદ્ધ થતા ફૂલછાબ પર પણ સેન્સરશિપ લાદવામાં આવી હતી. જન્મભૂમિએ પણ સારી લડત આપી હતી. સાધના અને ભૂમિપુત્ર પણ પાછળ ન હતા. તેમણે પણ ગાંધી સરકારની કટોકટીને લોકશાહીનું કલંક ગણાવી ભારે વિરોધ કર્યો હતો. ગુજરાતી સાપ્તાહિક લોકમત અને સ્વરાજ્ય પર પણ સેન્સરશિપનો સકંજો કસી દેવામાં આવ્યો હતો. વિપક્ષની ગેરહાજરીમાં જે ભૂમિકા અખબારી આલમે ભજવવાની હતી તેમાં કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચાર પત્રોએ મોરચો સંભાળ્યો હતો જ્યારે બીજા કેટલાક અખબારી જૂથો ગણગણાટ કર્યા વિના એક ખૂણે બેસી રહ્યા હતા. કટોકટીકાળ દરમિયાન સૌથી વધારે નિરાશાજનક વલણ બુદ્ધિજીવીઓનું રહ્યું હતું. જે સમયે દેશને બુદ્ધિજીવીઓની ખરા અર્થમાં જરૂર હતી તે સમયે બુદ્ધિજીવીઓએ નિજસ્વાર્થ માટે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. બીજી તરફ જેલવાસની પરવા કર્યા વિના ઈંડિયન એક્સપ્રેસ, સ્ટેટ્સમેન, પંચજન્ય, ઓપિનિયન, ભૂમિપુત્ર, સાધના જેવા અખબારો અને સામયિકો સત્યને વળગી રહ્યાં હતા અને કટોકટીનો જબરદસ્ત વિરોધ કરતા સમાચારો પ્રસિદ્ધ કરતા રહ્યાં હતા. ગાંધી સરકારની ધાકધમકીઓ વચ્ચે પણ ભારતમાં વસતા વિદેશી પત્રકારો અને વિદેશના અખબારોએ કટોકટીનો વિરોધ કરી પોતાનો અખબારી ધર્મ નિભાવ્યો હતો. બર્મિંગહામ ન્યૂઝ, કેનબરા ટાઈમ્સ, ન્યૂયોર્ક ટાઈમ્સ, ટાઈમ, ગાર્ડિયન, ડેઈલી ન્યૂઝ, ઓબ્ઝર્વર ન્યૂઝવીક, વોશિંગ્ટન પોસ્ટ વગેરે અઢળક અંગ્રેજી અખબારો અને વિદેશી પત્રકારો છે જેણે કટોકટીકાળની ભયાનકતાનો સાચો આયનો ભારતીયો સહિત સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

જ્યારે કટોકટીકાળમાં પત્રકારત્વની હત્યા કરવામાં આવી હતી ત્યારે પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીય સમાચારપત્રો બે ભાગમાં વહેચાઈ ગયા હતા. એક સરકાર વિરોધી અને બીજા સરકાર તરફી. એક બાજુ એવા અખબારો અને પત્રકારો હતા જેમણે પોતાનો અખબારી ધર્મ નિભાવતા સરકારી અન્યાયનો વિરોધ કર્યો તો બીજી બાજુ એવા અખબારો અને પત્રકારો હતા જેમણે પોતાનો અખબારી ધર્મ છોડી સરકારી અન્યાય સમક્ષ શરણાગતી સ્વીકારી લીધી હતી. અંતમાં વિજય અખબારી ધર્મ નિભાવનારાઓ અને અન્યાયનો વિરુદ્ધ કરનારાઓનો થયો. કટોકટીકાળમાં પણ જાગૃત અને નીડર પત્રકારો – સંપાદકો – તંત્રીઓ ચૂપ નહતા. સત્ય અને સમાજના સેવકોએ સામ, દામ, દંડ, ભેદની નીતિનો સામનો કરી છેક તૂટીને બરબાદ થઈ જવાની ક્ષણ સુધી લડત આપી હતી. અંતે ગાંધી સરકારને પણ ઝૂકવું પડ્યું હતું, કટોકટી બાદ ઈંદિરા ગાંધીની કારમી હાર થઈ હતી, અખબારો ફરી સ્વતંત્રતાથી સત્યને ઉજાગર કરતા, સમાજનો આયનો દર્શાવતા પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. જોકે અફસોસ આજ સુધી ક્યારેય ભારતીય પત્રકારત્વની હત્યા કરવા બદલ ગાંધી-નહેરુ પરિવારે ચોથી જાગીરની માફી માંગી નથી.

વધારો : કટોકટીકાળમાં ફક્ત પત્રકારોની કલમે જ નહીં, સાહિત્યકારોના લેખો-કવિતાઓ અને કાર્ટૂનિસ્ટનાં કાર્ટૂનોએ પણ ક્રાંતિ જગાવી હતી. જ્યારે બ્રિટીશ સરકાર કરતા પણ ગાંધી સરકાર પત્રકારત્વ પ્રત્યે વધુ ક્રૂર થઈ હતી ત્યારે નિરેન્દ્રનાથ ચક્રવર્તીએ બંગાળીમાં એક કાવ્ય લખ્યું હતું જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એ પ્રતિબંધિત કાવ્યનો ગુજરાતી અનુવાદ આ મુજબ છે :

જોયું તે સૌએ રાજા તો નગ્ન છે. સાવ નિરાવરણ. / ને તોયે તાળીઓનો ગડગડાટ, જયજયકાર ચાલુ જ રહ્યો. / દૂરસુદૂરના લોકો ભય અને ભૂતકાળના ચારાથી / ડૂબેલા – અકળાયેલા, પોતાનો અવાજ પણ ક્યાંક / સોંપીને આવ્યા હતા, / ભિક્ષાપાત્ર હાથમાં અને ચહેરા પર યાચના. / નિશ્ચિત હતા એ સૌ! / કોઈએ ખુશામત કરી, કોઈએ ચતુરાઈ / અને ઘણા બધા તો શાહી વસ્ત્રોના મુસળધાર વખાણમાં / હા, તેમની આંખોમાં ડોકાતી આશંકા / તેમના જ શબ્દો માટે પડકારરૂપ. બધાં જાણે છે આ વાર્તા, / પણ સૌ દરબારી નહોતા, એક કિશોર પણ ત્યાં- / સુંદર, નીડર ને નિષ્કપટ. લોકકથાને અતિક્રમીને આજે રાજા આવી ચડ્યો છે. / રાજ માર્ગ પર. એવો જ નગ્ન, એકદમ… / પણ ભીડભાડ અને કોલાહલમાં / ક્યાંક ખોવાઈ ગયો છે તે કિશોર, / અલગ અને સત્યદિલ – ક્યાં ચાલ્યો ગયો છે તે / ક્યાંક તો હશે, ક્યાંક તો હશે જ. / સંભવ છે કે તેને છુપાવી દેવાયો હો, / કોઈ અંધારી ગુફામાં કે પછી નદીકાંઠે રેતના પટમાં / રમતમાં રમતાં, થાકીને સૂતો હશે વૃક્ષના છાંયડે. / ઊઠો, જલદી કરો, શોધીને લાવો. / કોઈને કોઈ રીતે લાવો. જેથી ઊભો રહે માથું ઊંચું કરીને / નગ્ન રાજવીની સન્મુખ, ચાપલૂસોની ભીડ ચીરીને પૂછે : રાજા, ઓ રે… રાજા! તારાં વસ્ત્રો ક્યાં છે?

પરિચય : ભવ્ય રાવલ

ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!

યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.

એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.

Email : ravalbhavya7@gmail.com

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code