અમદાવાદઃ શહેરનીની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.
મુખ્યમંત્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું. હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના 20 માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે.
વટવા જીઆઈડીસીમાં ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલીટીક રીએકટર (FCR) ટેક્નોલોજીથી સજ્જ સ્થાપિત કરેલા આ CETPનો લાભ વટવા જીઆઇડીસીના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનુ સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100 ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા વિશ્વની સૌપ્રથમ એવી એમીશન ટ્રેડીંગ સ્કીમના સુરતમાં સફળતાપુર્વક અમલીકરણથી આપણે હવામાં તરતા રજક્ણો રુપી પ્રદુષકોની માત્રામાં આશરે 20 ટકા જેટલો ઘટાડો કરી શક્યા છીએ. સુરત વિસ્તારમાં એમીશન ટ્રેડીંગ સ્કીમની સફળતાને ધ્યાને લઇ અમદાવાદમાં આશરે 240 ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેતપૂર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારોના ઊદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ બાદ પર્યાવરણીય રીતે સલામત સ્થળે દરીયામાં ઉંડે નિકાલ કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીના પ્રદુષણની સમસ્યા હલ થઇ શકશે, નદીઓના પાણીની ગુણવત્તા નોંધપાત્ર સુધારો આવશે અને 92 % જેટલા લઘુ ઉદ્યોગોને સીધો લાભ મળશે.