વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે સુત્રાપાડા રાઉન્ડના ઈન્ચાર્જ ફોરેસ્ટર સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે વનવિભાગના ગુનાના ફરાર આરોપીને પકડવા તેના ઘરે ગયા ત્યારે ત્યાં આગળ ફોરેસ્ટર સહિતના સ્ટાફ પર દસથી વધુ લોકોએ જીવલેણ હથિયાર તથા પથ્થરોના ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ફોરેસ્ટરે નવ શખ્સોના નામજોગ અને ત્રણ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસએ ફરજમાં રૂકાવટ, હથિયારબંધી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુત્રાપાડા રાઉન્ડના ઈન્ચાર્જ ફોરેસ્ટર કિરણકુમાર કાંતિલાલ જોષી સાંજના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે વન વિભાગમાં નોંધાયેલા એક ગુનાનો આરોપી તાલુકાના પ્રશ્નાવડા ગામે તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે વનવિભાગના અન્ય કર્મચારીઓ સાથે પ્રશ્નાવડા ગામે રહેતા આમદ સુલેમાનભાઈ ભેસલીયાના ઘરે પહોંચ્યા હતા ત્યારે આમદ ઉપરાંત તેની પત્ની શેરબાનુ, પિતા સુલેમાન ભેસલીયા, આમદનો ભાઈ ઈકબાલ સુલેમાન ભેંસલીયા, ઉમર સુલેમાન ભેંસલીયા, આમદના સાળા સદામ જાફર ભેંસલીયા, આમદની માતા હાજરાબેન સુલેમાન ભેંસલીયા અને તેની કાકી મીમીબેન ઈશાભાઈ ભેંસલીયા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ફોરેસ્ટર તથા તેની સાથે રહેલા અન્ય સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ગેરકાયદે મંડળી રચી લાકડાના ધોકા, લોખંડના પાઈપ હાથમાં લઈ મારવા દોડ્યા હતા આ સાથે પથ્થરોના છુટ્ટા આડેધડ ઘા કરી વનકર્મીઓને માર મારી મુંઢ ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જીવલેણ હુમલા અંગે ફોરેસ્ટર કિરણકુમાર જોશીએ પ્રશ્નાવડા બારામાં રહેતા અને હુમલો કરનાર આમદ સુલેમાન ભેસલીયા, સુલેમાન ભેસલીયા, ઇકબાલ સુલેમાન ભેસલીયા, ઉમર સુલેમાન ભેસલીયા, ફીરોઝ જાફર ભેસલીયા, સદામ જાફર ભેસલીયા, શેરબાનુ આમદ ભેસલીયા, હાજરાબેન સુલેમાન ભેસલીયા, મીમીબેન ઇશાભાઇ ભેસલીયા તથા ત્રણેક અજાણ્યા માણસોએ ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી મારમર્યા અંગેની ફરિયાદ આપતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 332, 143, 147, 148, 149, 337, 504, 506 (2) જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.