પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારા સામે હવે ટ્રાન્સપોર્ટરો 28મી જુને કાળો દિવસ મનાવશે
અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલીયમ પેદાશોમાં એકધારા ભાવ વધારાથી ત્રસ્ત આમ આદમીની વ્હારે હવે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ તથા ટ્રાન્સપોર્ટરો પણ આવ્યા છે સળંગ દસ દિવસના આંદોલન-ચકકાજામ જેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે ડીઝલનો ભાવ 95 ને પાર થઈ ગયો હતો. પ્રતિ લીટર 38 પૈસાના ધરખમ વેપાર સાથે 95.26 થયો હતો. જયારે પેટ્રોલનો ભાવ 34 પૈસાની વૃધ્ધિ સાથે 94.42 થયો હતો. 4મેથી ભારતમાં પેટ્રોલીયમ ચીજોમાં ભાવ વધારાનો દોર છે અને તેની સાઈઝ ઈફેકટરૂપે મોંઘવારી વધી છે. છતાં સરકાર દ્વારા ટેકસમા ઘટાડા કે અન્ય કોઈ રાહત આપવામાં આવતી નથી.
ડીઝલનાં ભાવ વધારાની સૌથી મોટી અસર ટ્રાન્સપોર્ટરોને પડી રહી છે.કોરોના કાળથી ધંધો મંદ છે તેવા સમયે ડીઝલનો બોજ સહન થતો નથી તેવી દલીલ સાથે દેશભરનાં ટ્રાન્સપોર્ટરોએ લડતનું રણશીંગુ ફુંકવાનું એલાન કર્યું છે. ટ્રાન્સપોર્ટરોનાં સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે 28 મી જુને કાળો દિવસ મનાવવાનું એલાન કર્યું છે. એટલુ જ નહિં ટ્રાન્સપોર્ટરોના પ્રશ્ર્નોનો ઉકેલ ન આવે તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં દેશવ્યાપી બેદમુદતી ચકકાજામનું એલાન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ સંગઠનના કહેવા પ્રમાણે લાંબા સમયથી વિવિધ સમસ્યાઓ આગળ ધરવામાં આવી છે. પરંતુ સરકાર પાસે પ્રશ્નો સાંભળવાનો પણ સમય નથી. ડીઝલમાં સતત ભાવ વધારાથી અર્થતંત્રની કમ્મર તૂટી ગઈ છે. 85 ટકા ટ્રાન્સપોર્ટરો નાના છે જેઓ પાસે એકથી પાંચ વાહનો છે તેઓ પાયમાલ બન્યા છે અને અસ્તિત્વ ટકાવવા સંઘર્ષની નોબત છે. ટ્રાન્સપોર્ટ સેકટરનું વધતુ એનપીએ આર્થિક હાલતની સાબીતી છે. લોકડાઉનમાં કારોબાર ઠપ્પ થઈ ગયો હતો. તાજેતરનાં નિયંત્રણો વખતે ટ્રાન્સપોર્ટરોને છુટ્ટ આપવા છતાં કારોબાર મંદ હતો. ફાઈનાન્સ કંપનીઓ વાહનો જપ્ત કરવા દબાણ સર્જી રહી છે, નાના ટ્રાન્સપોર્ટરો માટે ધંધો બનાવવાનો પ્રશ્ર્ન સર્જાયો છે. છતાં સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવતી નથી. છ મહિના સુધી લોન હપ્તામાં મોરેટોરીયમની માંગ કરવામાં આવી છે.અન્યથા ટ્રાન્સપોર્ટર માર્ગો પર ઉતરશે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ જુલાઈ માસમાં સળંગ દસ દિવસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલીયમ ભાવ વધારાથી આમ આદમી ત્રસ્ત છે. વેપાર ઉદ્યોગ પર પણ ગંભીર અસર છે.લોક આક્રોશનો પડઘો પાડવા તથા સરકાર પર ટેકસ ઘટાડા માટે દબાણ સર્જવા દેશભરમાં સળંગ દસ દિવસ આંદોલન કરવામાં આવશે.