પીએમ સાથે મીટિંગ બાદ ઉમરે કહ્યું – પહેલા પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય પછી ચૂંટણી
- પીએમ મોદી સાથે મીટિંગ બાદ ઉમર અબ્દુલ્લાએ કહ્યું
- પહેલા સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે પછી ચૂંટણી
- પરિસીમન અને ચૂંટણીને લઇને કેન્દ્ર સરકારની ટાઇમલાઇન સાથે સહમત નથી: ઉમર અબ્દુલ્લા
નવી દિલ્હી: પીએમ મોદી સાથે દિલ્હીમાં કાશ્મીરી નેતાઓની 24 જૂનના રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તે પરિસીમન અને ચૂંટણીને લઇને કેન્દ્ર સરકારની ટાઇમલાઇન સાથે સહમત નથી.
નેશનલ કોન્ફ્રેંસના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમની સાથે ઉમર અબ્દુલ્લા પણ હાજર હતા. ઉમર અબ્દુલ્લાએ જમ્મૂ કાશ્મીરની ચૂંટણી કરાવવાના મુદ્દે કહ્યું હતું કે, પરિસીમન અને પૂર્ણ રાજ્યનો દરજ્જાને લઇને કેન્દ્રની ટાઇમલાઇન સાથે અમે સહમત નથી, પહેલા જમ્મૂ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે અને ત્યારે ચૂંટણી યોજાય.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, દેશના પ્રથમ પીએમએ અમને જનમત સંગ્રહનો વાયદો કર્યો હતો. પરંતુ પાછી પાની કરી દીધી. નરસિમ્હા રાવે અમને સ્વાયત્તતા આપવાનો વાયદો કર્યો હતો. તે પણ પાછા હટી ગયા. તેનાથી અવિશ્વાસ પેદા થયો, જેને હવે પરત લેવો પડશે.
ફારૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું ‘પ્રધાનમંત્રીની સાથે મીટિંગ સારી રહી. તમામે પોતાની વાત પ્રધાનમંત્રીની સમક્ષ રજૂ કરી છે. જમ્મૂ કાશ્મીરમાં હાલત સારા બનાવવા અને એક નવા રાજકારણનો દૌર શરૂ કરવા માટે આ સરકાર તરફથી પ્રથમ કદમ છે.’
પીએમ સાથે યોજાયેલી બેઠક પર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમને અહીં અલાયન્સ તરીકે બોલાવવામાં આવ્યા ન હતા. અમે પાર્ટી તરીકે ત્યાં ગયા હતા. અમે કહ્યું કે કાશ્મીરમાં લોકો નારાજ છે. નિર્ણયથી ખુશ નથી.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે અમારા સંવૈધાનિક અધિકારો માટે લડાઇ કાનૂની, રાજકીય અને શાંતિપૂર્ણ રીતે લડીશું. અમારે જે જોઇએ છે તેનાથી પાછળ હટીશું નહી.