- ટ્વિટર બાદ હવે Facebook અને Googleનો વારો
- આ માટે સંસદીય સમિતિએ બોલાવી બેઠક
- સોશિયલ મીડિયાના દૂરુપયોગને અટકાવવા માટે ફેસબૂક-ગૂગલના વિચારો સંસદ સાંભળશે
નવી દિલ્હી: ટ્વિટર બાદ હવે ફેસબૂક અને ગૂગલનો વારો છે. આવતીકાલે થનારી બેઠકમાં નાગરિકોની સુરક્ષા અને સોશિયલ ઑનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગને રોકવાને લઇને ફેસબૂક અને ગૂગલ ઇન્ડિયાના વિચાર સંસદ સાંભળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર શશિ થરૂરની અધ્યક્ષતા હેઠળની આ પેનલના સભ્યોને વચ્ચે અધિકૃત એજન્ડા નક્કી કરાયો હતો. તેમાં નાગરિકોના અધિકારોની સુરક્ષા અને સામાજિક દૂરુપયોગને રોકવા માટેના વિષયો પર ફેસબૂક ઇન્ડિયા અને ગૂગલ ઇન્ડિયાના પ્રતિનિધિઓના વિચાર સાંભળવાની વાત કહેવામાં આવી છે.
ફેસબૂકના પ્રતિનિધિઓએ સંસદીય સમિતિને સૂચિત કર્યા હતા કે કંપનીની નીતિ કોરોના પ્રોટોકોલના કારણે અધિકારીને વ્યક્તિગત રીતે રજૂ કરવાની પરમિશન આપતી નથી પરંતુ પેનલના અધ્યક્ષ શશિ થરૂરે ફેસબૂકને કહ્યું હતું કે, તેમણે અધિકારીઓને વ્યક્તિગત રીતે રજૂ કરવાના રહેશે. કેમ કે સંસદ સચિવાલય વર્ચ્યુઅલ મીટિંગની પરમિશન આપતું નથી. આગામી દિવસોમાં સંસદ યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને પણ બોલાવશે.
આપને જણાવી દઇએ કે આ મહિનાના પ્રારંભમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના પ્રતિનિધિ પેનલની સામે હાજર થયા હતા. આ બેઠક અમેરિકાના સોશિયલ મીડિયા દિગ્ગજની સરકારની સાથે અનેક મુદ્દાઓ પર ચાલી રહેલી પૃષ્ઠભૂમિના વિરોધમાં હતી.