ડ્રોન હુમલા બાદ હવે મિલિટ્રી સ્ટેશન પર જોવા મળ્યું ડ્રોન, સેનાએ કર્યું ફાયરિંગ
- એરબેઝ બાદ મિલિટ્રી સ્ટેશન પર ડ્રોન જોવા મળ્યું
- ડ્રોન જોવા મળતા આ વિસ્તારમાં ખળભળાટ મચ્યો
- સેનાએ ડ્રોન જોતા જ તેના પર ફાયરિંગ કર્યું
નવી દિલ્હી: ભારતીય સરહદ નજીક હવે તણાવ વધી રહ્યો છે. ગઇકાલે એરબેઝ પર થયેલ ડ્રોન હુમલાની ઘટના હજુ તાજી છે ત્યારે હવે ફરી એકવાર મિલિટ્રી સ્ટેશન પર ડ્રોન દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જમ્મૂના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર 3 વાગ્યાની આસપાસ ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, સેના એલર્ટ હોવાને કારણે ડ્રોનને જોતા જ જવાનોએ 20 થી 25 રાઉન્ડ ફાયર કર્યા હતા.
ડ્રોન જોયા બાદ સમગ્ર વિસ્તારમાં હાલમાં સેના દ્વારા સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્યના જવાનો કેમ્પમાં અને તેની આસપાસની જગ્યા શોધી રહ્યાં છે જ્યાં ડ્રોન પડી શકે છે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે જો ડ્રોનને ગોળી મારવામાં આવી હોય તો તે નીચે પડ્યું હોય અને તેમાં વિસ્ફોટકોની આશંકા પણ છે તેથી તેની શોધ થઇ રહી છે.
નોંધનીય છે કે, ગઇકાલે સેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે MI-17 હેલિકોપ્ટર તેના નિશાન પર હતું. આપને જણાવી દઇએ કે અનેક સમયથી પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતમાં તંગદિલી વધારવા માટે નાપાક હરકત કરી રહ્યું છે પરંતુ ભારતીય સેના દર વર્ષે તેના આ ઇરાદાઓ પણ પાણી ફેરવીને તેને નાકામ બનાવે છે.