કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઈન પરીક્ષા થશે, શિક્ષણ વિભાગનો આદેશ
- કોરોનાનું સંક્રમણ થયું ઓછુ
- રાજ્યમાં 24 કલાકમાં 100થી ઓછા કેસ
- અંતિમ વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે
અમદાવાદ : કોરોનાકાળમાં જો કાંઈ સૌથી વધુ અસરગ્રસ્ત થયું હોય તો તે છે શિક્ષણ. તો વાત એવી છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે જ અનેક નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમોની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ કરવામાં આવ્યો છે .
યુનિવર્સિટી તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા મુજબ સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 8 જુલાઈથી બી.એ., બી.કોમ. રેગ્યુલર, પોસ્ટ ગ્રેજ્યુએટ અને એક્સનલની ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યમાં પરીક્ષાનું આયોજન કરતા પહેલા તમામ યુનિવર્સિટી-કોલેજોએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતના સહયોગથી ફરજિયાત વેક્સિન લેવડવાની રહેશે તેમજ કોવિડ-19 ના નિયમનું પાલન કરવાનું રહેશે જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું સહિતની બાબતોનું પાલન કરીને પરીક્ષા યોજવાની રહેશે.
કોરોનામાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ભણવું તો મુશ્કેલી ભર્યું થયું જ હતુ પરંતુ શિક્ષકો માટે પણ એક મોટો પડકાર હતો કે બાળકોને સામે ન રાખીને ઓનલાઈન કેવી રીતે ભણાવવા. શિક્ષકોને પણ ભણાવવામાં અનેક પ્રકારની તકલીફો પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેઓ પાસે ભણવા માટેનો કોઈ સ્ત્રોત હતો નહી અને તેમને પણ ભણાવવાની જવાબદારી શિક્ષકોને માથે આવી પડી હતી.