ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ નોતરી શકે છે
- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
- કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ એ ગંભીર જોખમ છે
- આ બાબતે વૈશ્વિક સમુદાયે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની આવશ્યકતા છે
નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા જમ્મૂ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલો ડ્રોન હુમલાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પણ ગૂંજ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, વ્યૂહાત્મક અને કમર્શિયલ સંપત્તિઓ વિરુદ્વ આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવના પર વૈશ્વિક સમુદાયે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની આવશ્યકતા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વીએસકે કૌમુદીએ જણાવ્યું હતું કે, આજે આતંકવાદના પ્રચાર અને કેડરની ભરતી માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દૂરુપયોગ થઇ રહ્યો છે. આતંકવાદને ફંડિગ માટે નવી ચૂકવણી વિધિઓ તેમજ ક્રાઉડફંડિગ પ્લેટફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે અને આતંકીઓ હવે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
વીએસકે કૌમુદીએ કહ્યું કે ઓછા ખર્ચવાળો વિકલ્પ હોવાના કારણે આતંકીઓ ડ્રોનનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. ડ્રોન દ્વારા આતંકીઓ હથિયાર કે વિસ્ફોટકો એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી રહ્યા છે, જે દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે જોખમ અને પડકાર બની ગયો છે.
નવા દાયકા માટે હાલના જોખમ અને ઉભરતા તારણોના આકલન પર બોલતા વીએસકે કૌમુદીએ કહ્યું કે હાલની ચિંતાઓમાં ડ્રોન પણ જોડાઈ ગયું છે, જે મોટું જોખમ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશોની આતંકવાદી વિરોધી એજન્સીઓના પ્રમુખના બીજા ઉચ્ચ સ્તરીય સંમેલનમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ હોવાના કારણે, આતંકવાદી સમૂહ ડ્રોનનો ગુપ્ત સંગ્રહ, હથિયાર/વિસ્ફોટકોની તસ્કરી અને હુમલા માટે ઉપયોગ કરી રહ્યા છે.