- જમ્મૂ કાશ્મીરમાં SPOની હત્યાનો મામલો
- હત્યા કરનારા આતંકીની થઇ ઓળખ
- તેનો જલ્દી ખાતમો બોલાવાશે: IG
નવી દિલ્હી: આતંકીઓએ થોડાક દિવસ પહેલા સ્પેશિયલ પોલીસ ઑફિસર ફૈયાઝ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યા કરી ત્યારે હવે આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના હોવાની પુષ્ટિ જમ્મૂ અને કાશ્મીર પોલીસે કરી છે. IGએ જણાવ્યું હતું કે જૈશના પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરી લેવાઇ છે.
કાશ્મીર પોલીસના IG વિજયકુમારે જણાવ્યું હતું કે, પુલવામાના ત્રાલમાં SPO ફૈયાઝ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યાના મામલે અમે એક સ્થાનિક નાગરિક અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની આતંકીની ઓળખ કરી છે. તેમને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જલ્દી તેઓને ખાત્મો કરવામાં સફળતા મળશે.
તેમણે કહ્યું કે એસપીઓ ફૈયાઝ અહેમદના બાતમીદાર હોવાના મામલે ખોટું બોલી રહ્યા છે. પોલીસકર્મી હોવું કોઈ પાપ નથી. તેઓ કોઈ ઓપરેશનનો ભાગ નહતા. આ જ આતંકીઓનો અસલ ચહેરો છે. તેઓ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. તેઓ ભય પેદા કરવા માંગે છે.
આ અગાઉ આઈજી એસપીઓના પરિવારજનોને મળ્યા અને તેમને સાત્વના પાઠવી. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ અમારા એસપીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. તેમની પત્ની અને પુત્રીએ તેમને બચાવવાની ખુબ કોશિશ કરી પરંતુ આતંકીઓએ તેમના ઉપર પણ ગોળીઓ ચલાવી. તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમણે દમ તોડ્યો.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓએ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદ ભટ(50)ના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. હુમલામાં પૂર્વ એસપીઓ, તેમના પત્ની અને પુત્રીના મોત થયા. જૈશ એ મોહમ્મદના આતંકીઓએ માતાને વળગેલા 10 મહિનાના માસૂમ બાળક ઉપર પણ દયા આવી ન હતી. તેમણે તેને જમીન પર પટકી નાખ્યો હતો.