ખાનગી સ્કુલની ફી ન પરવડતા હવે વાલીઓ પોતાના બાળકોનો સરકારી શાળામાં અપાવી રહ્યા છે પ્રવેશ
અમદાવાદઃ કોરોનાના કાળમાં રોજગાર-ધંધામાં થયેલું નુકશાન અને હાલ વધતી જતી મોંઘવારીને લીધે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. એટલે અમદાવાદ, રાજકોટ સુરત, વડોદરા સહિત મહાનગરોમાં સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લાઈનો લાગી રહી છે. અમદાવાદમાં મ્યનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાએ ઘણા લોકોના ઘરના બજેટને વેરવિખેર કરી નાખ્યા છે. ત્યારે ખાનગી કંપનીમાં નોકરી કરનારા કે પછી સરકારીમાં નોકરી કરનારા પરિવારો પણ તેના સંતાનોના શિક્ષણ પાછળ થતા ખર્ચને ઘટાડવા માટેની વ્યવસ્થા કરી છે. જેથી કરીને અમદાવાદ સહિત મહાનગરોમાં ઘણા વાલીઓ દ્વારા ચાલુ વર્ષથી જ શિક્ષણ પાછળ વર્ષ દરમ્યાન જે ખર્ચ થાય છે. તેને બચાવવા માટે તેના સંતાનોને ખાનગી શાળાઓ માંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં એડમીશન અપાવ્યા છે. શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ બની રહ્યું છે જેથી દરકે વાલીઓને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ભરવી પરવડે તેમ હોતું નથી.
મોરબી જિલ્લામાં આવતા પાંચેય તાલુકામાંથી જુદીજુદી ખાનગી શાળાઓમાંથી ૧૪૫૨ થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ખાનગી શાળાઓને છોડીને ઘણા વિદ્યાર્થીઓને તેના વાલીઓએ સરકારી શાળામાં એડમીશન અપાવે તેવી શક્યતા છે. પહેલાના સમયમાં સરકારી શાળાઓમાં ખાનગી શાળા જેવી ભૌતિક સુવિધાઓ ન હતી. જો કે, સરકારે છેલ્લા વર્ષોમાં કમ્યુટર વડે શિક્ષણ, કસોટી તેમજ ટ્રાન્સપોર્ટશન સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપી છે. જેથી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી ઉઠાવીને વાલીઓ સરકારી શાળાઓમાં મુકવા લાગ્યા છે. વધતી જતી મોંઘવારી અને સરકારી શાળાઓમાં વધતી સુવિધાઓના લીધે ફરી પછી સરકારી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગતિ પકડી છે.