- પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઑન ઇકોનોમિક અફેર્સની બેઠક યોજાઇ
- આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા
- ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ 19 હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઑન ઇકોનોમિક અફેર્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રીબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ 19 હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, 2 દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોનાને કારણે 6 લાખ 28 હજાર કરોડની મદદનું જે માળખુ જણાવ્યું હતું તેને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, જૂનથી નવેમ્બર સુધી સરકારે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આ વખતે મેથી નવેમ્બર સુધી 80 કરોડ લોકોને ફ્રી અનાજ મળશે. તે માટે 93 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ડીએપી ખાતર, યૂરિયાના ભાવ ન વધે તે માટે 14 હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. ગામમાં બ્રોડબેન્ડ સુવિધા માટે 19 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 97 હજાર કરોડ રૂપિયા વીજળી વ્યવસ્થાના સુધાર માટે, 1 લાખ 22 હજાર કરોડ રૂપિયા એક્સપોર્ટ સુવિધા માટે અપાયા છે.
પાછલા વર્ષે 15 ઓગસ્ટે દેશના 6 લાખ ગામડાને ઓપ્ટિકલ બ્રોડબેન્ડમાં લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આજે અમે 1 લાખ 56 હજાર ગામડાઓ સુધી પહોંચી ચુક્યા છીએ. દેશના 16 રાજ્યોમાં ભારત નેટને PPP મોડલ હેઠળ લાગૂ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે કરાર કરી રહ્યાં છીએ, જેમાં અમે સંપૂર્ણ નેટવર્ક આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું ગામડામાં ટેલીમેડિસિનની સુવિધા આપવામાં આવશે. દેશના ગામડામાં બાળકો માટે સારા કોચિંગની વ્યવસ્થા હશે.
દેશમાં ગામ-ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.