અમદાવાદના વસ્ત્રાપુરમાં 152 કરોડના ખર્ચે નિર્મિત 520 બહુમાળી આવાસોનું કરાયું લોકાર્પણ
અમદાવાદઃ શહેરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા ખાતે 152 કરોડના ખર્ચે નિર્માણ પામેલા D-1, સી અને બી કક્ષાના 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું હતું કે 30 વર્ષથી પણ વધુ સમય પહેલા બનેલા મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી નાના–મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનારા મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે. પાછલા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરીયાત ઉભી થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અને તાલુકાઓમા રૂ.1963 કરોડના ખર્ચે અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. આવાસ મેળવનારા પરિવારોને આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ પટેલે ઉમેર્યું હતુ કે, જે જમીન પર ૫૨ વધારે ક્વાટર્સની કેપેસીટી હતી ત્યાં કેટલાક ફેરફાર કરી ઉંચા ટાવર બનાવી નવા કવાટર્સ ઉભા કરવામાં આવ્યા છે. મુખ્ય ઈજનેરે જણાવ્યું હતું કે, આ સંકુલમાં જુના રહેણાંકના સ્થળે નવા અને સુવિધાપુર્ણ મકાનો બનાવીને કર્મચારીઓના જીવન ધોરણને ઉંચુ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ અગાઉ આ જ સરકારી વસાહતમાં ડી, સી અને બી ટાઇપના 12 ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેમાં આજે 500 કરતા વધારે કર્મયોગી પરિવારો નિવાસ કરે છે. આજે અર્પણ કરાયેલા આવાસોમાં મોડ્યુલર કીચન, અદ્યતન ટાઈલ્સ, ફાયર સેફ્ટી તેમજ અન્ય સુવિધાઓ છે એમ તેમણે ઉમેર્યું હતું.