અમદાવાદમાં મેટ્રોનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરી ટ્રેનો દાડતી કરવાનું આયોજન
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન રાબેતા મજબ બની રહ્યું છે. બીજીબાજુ તાજેતરમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ચૂંટણી પહેલા તમામ વિકાસના કામો પુરા કરવાની સુચના આપી હતી. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે.
2024ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ પૂરું કરી દેવાની ગણતરી રાખવામાં આવી છે. ઉપરાંત અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું પહેલા તબક્કાનું કામ પણ ઓગસ્ટ 2022 સુધીમાં પૂરું થઈ જશે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે અને ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે ત્યારે એ પહેલા આ પ્રથમ તબક્કાનું કામ પૂરું કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રોની કામગીરી ચૂંટણી પહેલા પુરી કરવાનું આયોજન છે.મેટ્રોની કામગીરીમાં જરૂરી એવા 32 રેક (ખોદેલી જમીન એકસરખી કરવા માટે વપરાતું સાધન) પણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને મળી ગયા છે. APMC વાસણાથી મોટેરાના પટ્ટા (ઉત્તર-દક્ષિણ કોરિડોર) માટે 18 ટ્રેન ઉપલબ્ધ કરાવાશે અને આટલી જ સંખ્યામાં ટ્રેન પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ વચ્ચેના રૂટ પર દોડશે. એક અધિકારીના કહેવા અનુસાર, આ મેટ્રો ટ્રેન ડ્રાઈવર વિના દોડી શકે તેવી ટેક્નોલોજીથી સજ્જ છે પરંતુ મેટ્રોના સત્તાધીશોએ નક્કી કર્યું છે કે, અમદાવાદ મેટ્રોમાં ડ્રાઈવર હશે.
પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું કામ વેગ પકડી રહ્યું છે અને 2022 સુધીમાં પૂરું થઈ જશે તેવી અપેક્ષા છે. અધિકારીઓના કહેવા અનુસાર, પૂર્વમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. આ જ પ્રકારે ટ્રેક અને સિગ્નલ નાખવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, દેશમાં મેટ્રોના ટ્રેક નાખનારી એજન્સી જ રાજ્યમાં પણ આ કામગીરી સંભાળી રહી છે. સિવિલ વર્ક પૂરું થતાં જ આ પટ્ટો એજન્સીને સોંપી દેવાશે અને તેઓ પાટા નાખવાનું કામ શરૂ કરી દેશે. નોર્થ-સાઉથ કોરિડોરમાં પણ અમુક પટ્ટા પર ટ્રેક નાખવાનું કામ પૂરું થઈ ગયું છે.
રાજ્ય સરકારે GMRCને ટાર્ગેટ આપ્યો છે કે, 2022ની ચૂંટણી પહેલા શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જવી જોઈએ. તમામ એજન્સીઓને સૂચના આપી દેવાઈ છે કે, ઓગસ્ટ 2022 પહેલા આખો પ્રોજેક્ટ ફાઈનલ ઈન્સ્પેક્શન માટે તૈયાર થઈ જવો જોઈએ, તેમ અધિકારીએ ઉમેર્યું. સાબરમતી નદી ઉપર 298 મીટરના બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. ડિઝાઈનને લગતા અનેક અવરોધો આવ્યા પછી પણ બ્રિજનું કામ શરૂ કરાયું છે. ઈન્કમ ટેક્સ ખાતે આવેલી જૂની હાઈકોર્ટ સ્ટેશનથી લઈને પશ્ચિમ કિનારા સુધીનો 8 સ્પૅન બ્રિજ ધીમે-ધીમે આકાર લેશે. આ બ્રિજની હાઈટ 14.2 મીટર હશે અને તેનો લોએસ્ટ પોઈન્ટ 11.7 મીટર હશે.