ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે. બીજીબાજુ ચારીના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના ઘરે ચોરીના બનાવો બન્યા બાદ કલોલના ધારાસભ્યના ઘેર તસ્કરો ત્રાટક્યા હતા. ગુજરાતમાં ચોરો એટલા બેખૌફ બન્યા છે કે હવે નેતાઓના ઘર પણ સલામત નથી. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ઘરમાંથી કુલ. રૂ 8.51લાખથી વધુની મત્તા ચોરાઈ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલોલના ધારાસભ્યના બળદેવજી ઠાકોરનુ કલોલમાં બસ સ્ટેન્ડ પાસે ઘર આવેલું છે. ગત રાત્રે તેમના ઘર પર તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તેમના બંગલામાંથી બે લાખ રોકડા, બે સોનાની ચેઇન, બે રાડો ઘડિયાળ, ત્રણ એલસીડી ટીવી અને સીસીટીવી રાઉટર સહિત કુલ 8.51 લાખ રૂપિયાની ચોરી કરી છે. રાત્રિ દરમિયાન આવેલા તસ્કરોએ ધારાસભ્યના ઘરનો સામાન વેરિવિખેર કરી નાંખ્યો હતો. ધારાસભ્યનાં બંગલાનાં મુખ્ય દરવાજા નું તાળું તોડી કુલ. રૂ 8.51 લાખથી વધુની મત્તા ચોરાઈ થઈ હતી. બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો કે, કલોલમા દરરોજ ઘર તૂટવાનાં બનાવો દરરોજ બને છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દારૂ, જુગાર તેમજ ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. ગાંધીનગરમાં ચોરી ચેઇન સ્નેચિંગ, ચોરી સહિતના ગંભીર ગુનાઓએ માઝા મુકતા શહેરનાં તમામ વેપારીઓ માટે ધંધાના સ્થળે સીસીટીવી કેમેરા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં તસ્કરો કેમેરા સામે જ બિન્દાસ રીતે ચોરી કરીને નાસી જઈ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.