અમદાવાદમાં વેક્સિનનો પુરતો સ્ટોક આવી જતાં રવિવારે પણ તમામ વેક્સિન કેન્દ્રો કાર્યરત રહ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ સંભવિત કોરોનાના ત્રીજા વેવથી બચવા વેક્સિનેશન અભિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આદરવામાં આવ્યું છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી વેક્સિનનો પુરતો સ્ટેક નહોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડતું હતું. પરંતુ શનિવારથી પુરતો સ્ટોક આવી જતા હવે વેક્સિનેશન વધારવામાં આવી રહ્યું છે. આજે રવિવારે પણ તમામ કેન્દ્રો પર વેક્સિનેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.શહેરમાં શનિવારે અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44,540 નાગરિકોને રસી આપવામાં આવી હતી. અગાઉ 24 જૂને 41,887ને રસી આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર તરફથી રસીનો પૂરતો જથ્થો ન મળવાના કારણે રસીના મહાઅભિયાન પર અસર પડી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ 3014326 લોકોને રસી આપવામાં આવી છે.
રાજ્ય સરકારે વધુમાં વધુ વેક્સિનનો જથ્થો અમદાવાદને આપતાં શનિવારે રેકોર્ડ સંખ્યામાં રસીકરણ નોંધાયું હતું. શનિવારે 44,540 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 25,161 પુરુષ, 19363 મહિલા તેમજ 16 ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ થાય છે. શહેરમાં શનિવારે વેક્સિન લેનારમાં 18 થી 44 વર્ષના 22530 લોકોનો સમાવેશ થાય છે. એટલે કે વેક્સિન લેનારમાં 50 ટકા હિસ્સો તો યુવાવર્ગનો રહ્યો છે. અત્યાર સુધીમાં 2433859 નાગરિકોએ પ્રથમ ડોઝ જ્યારે 580467 નાગરિકોએ બીજો ડોઝ મેળવ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. 3 દિવસ પછી શહેરમાં કેસનો આંક ફરી પાછો 20ને પાર થયો છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. 40 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. શહેરમાં હવે 749 એક્ટિવ કેસ છે.
શહેરમાં એક જ દિવસમાં 1297 સુપરસ્પ્રેડર્સે પણ વેકિસન લીધી છે. જેમાં 946 યુવાનો અને 351 જેટલા 45થી વધુની ઉંમરના નાગરિકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં શહેરમાં 15602 વેપારીઓ વેક્સિન મેળવી લીધી છે. જેમાં સૌથી વધુ 5452 વેપારીઓ મધ્ય ઝોનમાં છે. જ્યારે તે પછી ઉત્તર ઝોનમાં 2500, દક્ષિણ ઝોનમાં 2647 અને પશ્ચિમ ઝોનમાં 2054 વેપારીનો સમાવેશ થાય છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની રસીની અછત વચ્ચે પણ રાજ્યમાં સૌથી વધુ વેક્સિન આપતું સેન્ટર ટાગોર હોલ વેક્સિનેશન સેન્ટર છે. ટાગોર હોલના રસીકરણ કેન્દ્રમાં અઠવાડિયામાં જ 10489 નાગરિકોએ વેક્સિન અપાઈ છે. શહેરમાં 400થી વધારે સેન્ટર પર મ્યુનિ.એ વેક્સિનેશન કેમ્પ શરૂ કર્યાં છે, જેમાં કેટલાક મોટા હોલમાં પણ વેક્સિનેશન થાય છે.