શેરબજાર ખુલતા પહેલા ગુરૂવારે સવારે જેટ એરવેઝના લેણદારોએ નિવેદન જાહેર કર્યું કે એરલાઈનની હિસ્સેદારી વેચવા માટે ચાલી રહેલી બોલીની પ્રક્રિયા સફળ રહેવાની અપેક્ષા છે. પરંતુ તેનાથી શેરના ભાવમાં થતો ઘટાડો અટક્યો નથી. NSE પર શેર 31.08% (74.75 રૂપિયા)ના ઘટાડા સાથે 165.75 રૂપિયા પર બંધ થયો. ઇન્ટ્રા-ડેમાં 34% સુધી શેર ગગડ્યો હતો. BSE પર 32.23% (77.95 રૂપિયા) ઘટીને 163.90 રૂપિયા પર બંધ થયો. બેન્કો પાસેથી ઇમરજન્સી ફંડ નહીં મળવાને કારણે જેટ એરવેઝે બુધવાર રાતથી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી. આ કારણે એરલાઈનના શેર્સમાં વેચવાલી વધી ગઈ.
જેટ એરવેઝના લેણદારોએ નક્કી કર્યું છે કે એરલાઈનને બચાવવા માટે સમર્થ રોકાણકારો પાસેથી સશર્ત બોલીઓ માંગવી સૌથી સારી રીત છે. એરલાઇન્સના 75% સુધીના શેર્સ વેચવા માટે બેન્કોએ બિડીંગ પ્રક્રિયા શરૂ કરી હતી. પહેલા તબક્કામાં મળેલા પ્રસ્તાવો (એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ)ના આધારે ચૂંટાયેલા રોકાણકારોને 16 એપ્રિલના રોજ બોલીના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. 10 મે સુધી પ્રક્રિયા પૂરી થશે.
એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએનું કહેવું છે કે જેટ એરવેઝની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવા માટે તેની પાસેથી મજબૂત અને વિશ્વાસપાત્ર પ્લાન માંગવામાં આવશે. રેગ્યુલેશનની મર્યાદામાં રહીને એરલાઇન્સની મદદ કરવામાં આવશે. બુધવારે સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીએ પણ કહ્યુ હતું કે નિયમો પ્રમાણે જેટની રિઝોલ્યુશન પ્રોસેસમાં મદદ કરશે.