ધો-12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ ગુજકેટ’નાં ફોર્મ હવે 14મી સુધી ભરી શકશે
અમદાવાદઃ કોરોનાને કારણે ધોરણ-12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 14મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ જીએસઈબીએ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી.
ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા એ,બી અને એબી ગ્રૂપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચના બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવી છે.
ગુજકેટની પરીક્ષા ફી રૂ.300 ઓનલાઈન એસબીઆઈની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે. ધોરણ 12 માં આ વર્ષે કોરોનાને લીધે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ-10 અને અન્ય આંતરિક પરીક્ષાના માર્કસ ગણીને વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. પણ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની બની રહેશે. હાલ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા છે.