અમદાવાદના ઐતિહાસિક લક્કડિયો પુલને હેરિટેજ લૂક આપી રાહદારીઓ માટે ખૂલ્લો મુકાશે
અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ, લક્કડિયા બ્રિજ અને સ્વામી વિવેકાનંદ પુલ જેવા જુદા જુદા નામથી જાણીતા બનેલા અમદાવાદના એકમાત્ર હેરિટેજ બ્રિજનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે વર્ષ 2022ના અંત સુધીમાં આ જૂના બ્રિજને હેરિટેજ લૂક આપી રાહદારીઓ માટે શરૂ કરવા યોજના ઘડી છે. દેશની પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટમાંથી જુદાજુદા ડિઝાઈનર્સ અને એન્જિનિયર્સને જૂના બ્રિજના નવીનીકરણની મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે.
અમદાવાદમાં સાબરમતી નદી પરનો એલિસબ્રીજ યાને સ્વામી વિવેકાનંદ બ્રીજ સૌથી જુનો છે. આ ઐતિહાસિક બ્રીજને હેરિટેઝ લૂક આપીને રાહદારીઓ માટે ખૂલ્લો મુકવામાં આવશે. આ બ્રીજને હેરિટેજ બનાવવાની એક વખત ડિઝાઈન ફાઈનલ થાય પછી તે ટેન્ડર પ્રક્રિયા કરાશે. અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર 1872માં પ્રથમ એલિસબ્રિજ તૈયાર કર્યો હતો.
બ્રિજની આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત બની હતી. અમદાવાદના હેરિટેજ વારસાને અકબંધ રાખવા મ્યુનિ.એ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આવનારી પેઢી 150 વર્ષ જૂના બ્રિજનું નિર્માણકાર્ય જોઈ શકે તે માટે લોકોને ચાલવાના ઉપયોગ માટે તેને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે હેરિટેજ ઓળખને સાચવી રાખવાની મ્યુનિ.ની પ્રથમ જવાબદારી છે.
આ બ્રિજ 7 ફૂટ પહોળો અને 400 મીટર લાંબો છે. અસિત વોરા મેયર હતા તે સમયે આ ઐતિહાસિક બ્રિજને તોડી પાડવાનું નક્કી કરાયું હતું.તેનો ભારે વિરોધ થતાં નવા બ્રિજનો પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો હતો.