કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર
સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી રહી છે.
કોરોનાના કારણે સુરત મ્યુનિ.કોર્પોરેશન પર મેડિકલ ખર્ચનો વધારો થયો હતો. કોરોના પાછળ કરોડો રૂપિયાના ખર્ચના કારણે મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી પર અસર પડી હતી. બીજી બાજુ આ સમય દરમિયાન રેવેન્યુના અનેક સંસાધનો બંધ રહ્યા હતા. કોરોના કાળમાં તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડતાં હવે આર્થિક રીતે સબળ બનવા માટે મ્યુનિ. દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ સાડા છ હજાર કરોડ છે. કોરોનામાં કરોડો રૂપિયાનો ખર્ચ મેડિકલ સંસાધનો પાછળ થયો હતો. બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે કોરોના માટે આર્થિક ફંડ આપવાનું હતું, તે પણ હજી સુધી પૂર્ણ મળ્યું નથી. જેથી હવે મ્યુનિએ પોતાના સંસાધનોમાંથી રેવેન્યુ જનરેટ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે. સુરત મ્યુનિ.કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિનો મહેકમ 50 ટકાથી પણ વધારે છે. કોઈપણ કંપનીમાં નિયમ હોય છે કે, કંપનીનો 25 ટકા ભાગ સેલરી પર ખર્ચ કરવામાં આવે છે અને જ્યારે આ ભાગ 28થી 30ને પાર કરે, ત્યારે સમજી લેવાનું કે કંપની લૉસ મેકિંગ છે.
લૉસ મેકિંગ કંપનીને જો પ્રોફિટમાં લાવવી હોય તો, બે ઉપાય કરવામાં આવે છે. કાં તમે કોસ્ટ કટિંગ કરો અથવા તો અધર સોર્સ ઓફ ઇનકમ ઉભા કરો.1995થી સુરતના અમારા કોમર્શિયલ અને અન્ય પ્લોટનું વેચાણ થયું નથી. મ્યુનિ. પાસે આવા 408 જેટલા પ્લોટ છે. આ તમામ પ્લોટને સુરતની જનતાને ભાડેથી આપી રહ્યા છે. જેથી તેઓ આની પર બગીચા, રેસ્ટોરન્ટ અથવા તો પાર્કિંગ બનાવી શકશે. અત્યારસુધી 10થી 12 પ્લોટ આપી દેવામાં આવ્યા છે.
છથી એક વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય છે અમારું અનુમાન છે કે, વાર્ષિક 40થી 50 કરોડની આવક અમને આ પ્લોટ આપીને થશે.કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિ.ને થતો હતો. તેના માટે પણ અમે વિચારી રહ્યા છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અમે ટેન્ડર બહાર પાડ્યું છે. હાલ એક કંપની સાથે કરાર થયો છે કે, તેઓ ભીનો કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરશે. આ કંપનીને અમે માત્ર મ્યુનિ.કોર્પોરેશનની જમીન આપીશું, જેની પર તેઓ કચરો એસોટિંગ કરશે, ખાતર બનાવશે અને તેનું વેચાણ કરશે. ગાર્બેજ કલેક્શન માટે પાલિકા કંપનીને એક પણ રૂપિયો આપશે નહીં. અત્યાર સુધી અમે લિક્વિડ વેસ્ટ પર એક ટને 2000થી 2500 રૂપિયા કંપનીને આપતા હતા.