સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કથિત લાંચ કેસની તપાસ માટે દિલ્હીથી તપાસનો આદેશ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશ સામે અંતે તપાસના આદેશ છુટયા છે. હથિયારના લાયસન્સ માટે નાણા લીધાના આક્ષેપ સાથે થયેલી અરજીના સંદર્ભમાં દિલ્હીની કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી દ્વારા કલેકટર સામે તપાસ કરવાનો આદેશ થયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના બામણબોરના જમીન કૌભાંડના કારણે વિવાદમાં આવેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ સામે સુરેન્દ્રનગરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતાં મથુરભાઇ વાલજીભાઇ સાકરિયા, અમરસંગ કેહરભાઇ રાઠોડ અને નાગજીભાઇ શંકરભાઇ સહિતના આસામીઓએ હથિયારના લાયસન્સ માટે નાણા લીધા બાદ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશે હથિયારનો પરવાનો ન આપ્યાના આક્ષેપ સાથે અરજીઓ કરી હતી.
આ અરજીઓ સાથે હથિયારનું લાયસન્સ મેળવવા માટે અરજી કરનારા આસામીઓએ કલેકટર અને તેના મળતિયા દ્વારા અપાયેલી સૂચના પ્રમાણે સુરતની બેંક સહિતના સ્થળે જમા કરાવેલા નાણાની વિગતો સાથેના પુરાવા રજુ કર્યા હતાં. આ અરજીઓ અંગે રાજય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અરજદારોએ દિલ્હી ખાતેના વડાપ્રધાનના કાર્યાલયમાં પણ અરજી કરી હતી.
આ અરજીના સંદર્ભમાં દિલ્હી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી રૂપેશકુમારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશ સામે તપાસ કરવાના આદેશ કર્યો હતાં. ગાંધીનગરના ચીફ સેક્રેટરીને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. ફરિયાદ અરજીના સંદર્ભમાં પૂર્વ કલેકટર કે.રાજેશ સામે કેવા પગલાં લેવાયા? તેની જાણ ફરિયાદ કરનારા અરજદારને કરવા પણ તાકીદ કરવામાં આવી છે. હવે પૂર્વ કલેકટર સામે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.