તામિલનાડુમાં ઉંદરોને લાગ્યો વાઈનનો ચસકોઃ દુકાનમાં 12 બોટલો કરી નાખી ખાલી
બેંગ્લોરઃ સામાન્ય રીતે મોટાભાગના મકાનો અને દુકાનોમાં ઉંદર હોય છે. તેમજ ઉંદર અન્નના દાણા તથા દૂધ પી જતા હોવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. પરંતુ તામિલનાડુની એક વાઈનશોપના સંચાલકોની ઉંદરોએ મુશ્કેલી વધારી દીધી છે. ઉંદરોએ વાઈનશોપમાંથી એક-બે નહીં પરંતુ 12 જેટલી બોટલો ખાલી કરી નાખી હોવાનું સામે આવ્યું છે. લોકડાઉનના કારણે આ વાઈનશોપ લાંબા સમયથી બંધ હતી. જ્યારે કર્મચારીઓએ શોપ ખોલી તો અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર તામિલનાડુના નિલગિરી જિલ્લામાં આવેલી એક સરકારી વાઈનશોપ લોકડાઉનના કારણે બંધ હતી. અનલોકના અમલ સાથે કર્મચારીઓએ વાઈન શોપ ખોલી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યાં હતા. અંદર વાઈનની એક-બે નહીં પરંતુ 12 બોટલના ઢાંકણા લુખ્યા હતા. એટલું જ નહીં બોટલો પણ ખાલી હતી. બોટલના ઢાંકણા ઉપર ઉંદરોના દાંતના નિશાનો પણ મળી આવ્યાં હતા. જેથી વાઈનની બોટલો ઉંદરો જ ખાલી કરી ગયાનું મનાઈ રહ્યું છે.
આ અંગે કર્મચારીઓને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. તપાસમાં એવી જાણકારી સામે આવી હતી કે, દુકાનમાં ઉંદરોની ભરમાર હતી અને તેમણે જ વાઈનની બોટલો ખાલી કરી નાંખી છે.