કબુતર માટે જીવ ગુમાવનારા જીવદયા પ્રેમીના પરિવારની મદદે આવ્યાં લોકો
અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં એકાદ મહિના પહેલા વીજળીના તારમાં ફસાયેલા કબુતરને બચાવવાના પ્રયાસમાં દીલીપભાઈ નામના શ્રમજીવીનું મોત થયું હતું. જીવદયા પ્રેમી દીલીપભાઈનું વીજ કરંટ લાગતા મૃત્યુ થતા તેમની પત્ની અને ત્રણ સંતાનો નોધારા થયાં હતા. જેથી દીલીપભાઈના પરિવારને કોઈ મુશ્કેલી ના પડે તે માટે મદદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી અનેક લોકોએ ખુલ્લા દીલે મદદ કરીને રૂ. 12 લાખથી વધુની આર્થિક સહાય કરી છે. તેમજ જિલ્લા વહીવટીતંત્રએ જમીનનો પ્લોટ અને મકાન સહાયની પણ વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં પ્રાથમિક શિક્ષકોની બચત મંડળીના વ્યાજમાંથી દર મહિને રૂ. 2500 આપવાની શરૂઆત કરાઈ છે.
અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં માલપુરના ચાર રસ્તા પાસે લોખંડના વીજપોલમાં કબૂતર ફસાયુ હતું. બજારમાં અનેક લોકો ઉપસ્થિત હતા પરંતુ તેમણે વીજપોલમાં ફસાયેલા કબુતરને બચાવવા કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા દીલીપભાઈ અહીંથી પસાર થતા હતા. વીજળીના તારમાં ફસાયેલા કબુતરને તડફળીયા મારતું જોઈ દીલીપભાઈનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. તેમજ પોતાના જીવની ચિંતા કર્યાં વિના કબુતરને બચાવવાનો નિર્ણય કરીને નજીકમાં પડેલી લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી થાંભલા ઉપર ચડી ગયા હતા. તેમજ તારમાં ફસાયેલા કબુતરને બચાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. દરમિયાન ભૂલથી દંડો તારને અડી ગયો હતો જેથી ધડાકો થતા દીલીપભાઈ નીચે પટકાયાં હતા અને તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિઓ નજીકમાં ઉભેલી એક વ્યક્તિએ ઉતાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દીલીપભાઈનું અવસાન થતા પત્ની રૂપાબેન અને 3 સંતાનોએ ઘરના મોભીની છત્રછાયા ગુમાવી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ બાવની જાણ થતા તેમને દીલીપભાઈના પરિવારને મદદ માટે રૂ. 11 હજારનો ચેક જિલ્લા કલેક્ટરને મોકલી આપીને પરિવારને આર્થિક મદદ કરવા અપીલ કરી હતી. જેથી ગણતરીના કલાકોમાં જ 132 દાતાઓએ રૂ. 12 લાખથી વધારેની રકમ એકત્ર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપ્યાં હતા. આ રકમ બેંકમાં મુકીને પરિવારને દર મહિને નિયમિત વ્યાજ મળી રહે તેવુ જિલ્લા કલેકટર અને આગેવાનોએ આયોજન કર્યું છે.
દરમિયાન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દીલીપભાઈના પરિવારની મુલાકાત લીધી હતી. તેમજ રેખાબેન અને તેમના સંતાનોને મદદની ખાતરી આપી હતી. દરમિયાન જિલ્લા વહીવટીતંત્રએ જમીનનો પ્લોટ અને મકાન સહાયની પણ વ્યવસ્થા કરી દીધી છે. દરમિયાન જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની બચત મંડળીના વ્યાજમાંથી દર મહિને રૂપિયા 2500 આપવાની શરૂઆત શિક્ષણ મંત્રીના હસ્તક કરવામાં આવી છે. એટલું જ નહીં તેમણે બનાવ સ્થળની પણ મુલાકાત લીધી હતી.