હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું નિધન,સ્વતંત્ર ભારતને અપાવ્યો હતો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ
- હોકીના દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું નિધન
- સ્વતંત્ર ભારતને અપાવ્યો હતો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ
- હોકી અધ્યક્ષ અને મમતા બેનર્જીએ વ્યકત કર્યો શોક
પશ્ચિમ બંગાળ : ઓલિમ્પિકમાં 1948 અને 1952 માં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ટીમનો ભાગ ધરાવતા દિગ્ગજ ખેલાડી કેશવ દત્તનું બુધવારે 95 વર્ષની વયે નિધન થયું છે. દત્તએ કોલકતાના સંતોષપુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નીગોમ્બમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય ટીમ બાદ તે બંગાળની મોહન બાગાન હોકી ટીમ તરફથી પણ રમ્યા હતા.
ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા દતે 1951-1953 અને ફરી 1957–1958 માં મોહન બાગાન હોકી ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની ઉપસ્થિતિમાં મોહન બાગાનની ટીમે 10 વર્ષમાં છ વખત હોકી લીગ અને બેટન કપ ત્રણ વખત જીત્યો. તેમને 2019 માં મોહન બાગાન રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સન્માન મેળવનાર પ્રથમ નોન-ફૂટબોલર બન્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. મમતાએ ટ્વિટ કર્યું કે, ‘હોકી જગતના આજે એક વાસ્તવિક મહાન ખેલાડીને ગુમાવ્યા છે.કેશવ દતના નિધનથી દુઃખી છું.તે 1948 અને 1952 માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારત અને બંગાળના ચેમ્પિયન. તેના પરિવાર અને મિત્રોને સંવેદના.