અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. ગુજરાત ધાર્મિક સ્થળો,પ્રવાસન સ્થળ, જાહેર બાગબગીચા,તળાવ,દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસી કી તૈસી થઈ રહી છે. પરિણામે સંક્રમણ વધવાનો ભય વ્યકત કરવામા આવી રહ્યો છે. આ તબક્કે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાહેર સ્થળોએ માસ્ક વગર ફરતા લોકો સામે આકરા પગલા લઈ અને દંડાત્મક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
કોરોનાના કેસ નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ રોજગાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. તેમજ તમામ ધાર્મિક સ્થળ ખુલી જતા દર્શનાર્થીઓની ભીડ પણ વધી રહી છે. જાહેર પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યા છે, કોરોનાના ત્રીજા વેવની શક્યતા હોવાથી લોકોએ સ્વયંભૂ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ માસ્ક ફરજિયાત પહેરવા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે. જાહેર સ્થળો પર લોકો માસ્ક પહેરવાના બદલે માત્ર નાક નીચે રાખે છે તે પણ યોગ્ય નથી, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.
યાત્રાધામ અંબાજી ,પાવાગઢ, સાળંગપુર હનુમાન , દ્વારકા, સોમનાથ ખાતે મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થઇ રહી છે. ભીડમાં એકત્રિત થયેલા લોકો માસ્ક વગર ફરે છે. તેમની સામે કોઇ પગલાં લેવામાં આવી રહ્યા નથી આથી તમામ જિલ્લા પોલીસ વડાઓને રાજ્ય પોલીસ વડાએ તાકીદ કરી છે કે પ્રવાસન સ્થળો એકત્રિત થતી ભીડમાં માસ્ક વગરના લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.આ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવે તેવી એસપીને સૂચના આપવામાં આવી છે.
મોટાભાગના પ્રવાસન અને યાત્રાધામોના સ્થળો પર જાહેર સેનીટેશનની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે મંદિરના પરિસરમાં પોલીસ હોવા છતાં લોકો કાયદો તોડી રહ્યા છે માસ્કના નામે માત્ર નાક નીચે માસ્ક રાખીને ફરતા યાત્રાળુઓ કે પ્રવાસીઓ સામે આકરા પગલાં લેવા આદેશ કર્યા છે .જે યાત્રાધામોમાં સેનેટાઈઝર કે હાથ ધોવાની માટેની સુવિધા નહીં હોય ત્યાં યાત્રાધામોના ટ્રસ્ટી અને સંચાલકો સામે આકરા પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી છે. ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને સંચાલકો સાથે બેઠક કરીને યાત્રાધામ પર આવતા લોકોના નિયમોનું મહત્તમ પાલન કરે તેવું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યા છે.