સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીઓ વધીઃ શાકભાજી ઓછી કિંમતમાં વેચવા બન્યાં મજબુર
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેતરમાં ઉગાડેલા શાકભાજીના માર્કેટમાંથી પુરતો ભાવ નહીં મળતો હોવાથી સાબરકાંઠાના ખેડૂતોને પડ્યાં ઉપર પાડા પરિસ્થિતિ ઉભી થઈ છે. વરસાદ ખેંચાતા તેની અસર શાકભાજી બજાર ઉપર જોવા મળી રહી છે. સાબરકાંઠાના શાકભાજી માર્કેટમાં દૂધી, રીંગણ, ફુલેવર, ભીંડા, ચોળી સહિતની શાકભાજીના પ્રતિ 20 કિલાનો રૂ. 500થી પણ ઓછા ભાવમાં વેચવા મજબુર બન્યાં છે. આમ ખેડૂતાને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા જમીન સુકીભઠ્ઠ બની ગઈ છે તો બીજી તરફ ગરમીને લીધે જમીનમાં રહેલું ભેજનું પ્રમાણ ઝડપથી ઘટતા શાકભાજીના વિવિધ પાક મુરજાઈ રહ્યાં છે. તેમજ છતા પિયત આપીને પાકને બચાવવાના ખેડૂતો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ આ પાકના પણ પુરતા પૈસા મળતા નહીં ખેડૂતોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હિંમતનગર શાકભાજી બજારમાં દૂધી પ્રતિ કિલાના રૂ. એક પ્રમાણે હારજીમાં વેચાઈ હતી. આવી જ રીતે ગવારનો ભાવ પ્રતિ કિલોનો રૂ. 15થી 20 બોલાયો હતો. ભીંડાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ. 250થી 350 સુધી બોલાયો હતો. આ ઉપરાંત કોબિજ અને ફુલાવર પ્રતિ 20 કિલાના રૂ. 200થી 300 બોલાયો હતો. જ્યારે ગલકાના 20 કિલોના રૂ. 50થી 100, કાકડીના 20 કિલોના રૂ. 150થી 200ના ભાવે વેપારીઓએ ખેડૂતો પાસેથી ખરીદી હતી. ખેડૂતોને મહેનત અને ભાડા જેટલા પણ પૈસા નહીં મળતા આર્થિક મુશ્કેલીમાં મુકાયાં હતા.