- આ મહિને આવી શકે છે 3 ડોઝવાળી વેક્સિન
- આ મહિને 3 ડોઝવાળી નિડલ ફ્રી વેક્સિન આવી શકે છે
- ઝાયડસ કેડિલાએ તેનું નિર્માણ કર્યું છે
નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસારને અટકાવવા અને તેનાથી સુરક્ષા માટે વેક્સિન સૌથી વધુ અસરકારક હથિયાર છે ત્યારે ભારતને વધુ એક વેક્સિનનો વિકલ્પ મળી શકે છે. આ મહિનાના અંત સુધીમાં કે આગામી મહિનાની શરૂઆતમાં DNA ટેક્નોલોજી પર બનેલી આ વેક્સિન લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યારસુધીમાં દેશમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણે વેક્સિન કરતા આ એકદમ અલગ છે. સૌથી પહેલા તો આ DNA ટેક્નોલોજીથી બનેલી છે. પણ 3 ડોઝની છે. તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે અને તે નિડલ ફ્રી છે. તેમાં ઇન્જેક્શનની જગ્યાએ જેટ ઇજેક્ટનો ઉપયોગ થાય છે. ઝાયડસ કેડિલાએ તેનું નિર્માણ કર્યું છે અને તે વિશ્વની પહેલી ડીએનએ પ્લાઝમિડ વેક્સિન છે.
આ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઑફ ઇમ્યુનાઇઝેશનના ચેરપર્સન ડૉક્ટર એન કે અરોરાએ જણાવ્યું કે આ પહેલી DNA વેક્સિન છે. જે આ મહિનાના અંતિમ સપ્તાહ કે ઑગસ્ટના પહેલા સપ્તાહ સુધીમાં લૉન્ચ થઇ શકે છે. DNA ટેક્નોલોજી પર પ્રથમ વાર વેક્સિન વિકસિત કરાઇ છે. જેમાં વાયરસની જીનેટિક કોડના નાના ભાગને લઇને શરીરને કોરોનાની સામે લડતા શીખવે છે.
ભારતમાં હાલમાં જે વેક્સિનનો ડોઝ અપાય છે તે ડબલ ડોઝ છે. પરંતુ ઝાયકોવ-ડી વેક્સિન આ બધા કરતા અલગ છે. આ ત્રણ ડોઝની છે. પહેલો ઝીરો દિવસે, બીજો 28 દિવસે અને ત્રીજો 56માં દિવસે આપવામાં આવશે. આ એક નિડલ ફ્રી વેક્સિન છે. જે જેટ ઇન્જેક્શનથી આપવામાં આવશે. યુએસમાં સૌથી વધુ જેટ ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે. જેમાં વેક્સિનને હાઇ પ્રેશર સાથે સ્કિનમાં ઇન્જેક્ટ કરાય છે.
સામાન્ય રીતે જે નિડલ ઈન્જેક્શન યુઝમાં લેવાય છે, તેનાથી ફ્લુઈડ કે દવા મસલ્સમાં જાય છે. જેટ ઈન્જેક્શનમાં પ્રેશર માટે કોમ્પ્રેસ્ડ ગેસ કે સ્પ્રિંગનો ઉપયોગ કરાયા છે. તેનાથી ફાયદો થાય છે, કે વેક્સિન લેનારાઓની પીડા ઓછી થાય છે. કારણ કે આ સામાન્ય ઈન્જેક્શનની જેમ મસલ્સની અંદર નથી જતું. આ વેક્સિનની ટ્રાયલ 12થી 18 વર્ષના બાળકો પર થઈ છે.