દેશમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા, સરકારે તેના અમલ માટે પગલાં ભરવા જોઇએ: દિલ્હી હાઇકોર્ટ
- એક છૂટાછેડાના કેસ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને આપ્યો ટેકો
- દેશમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ થવું જોઇએ
- કેન્દ્ર સરકારે આ દિશામાં આવશ્યક પગલાં ભરવા જોઇએ
નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે. એક છૂટાછેડાના કેસ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, બધા માટે સમાન સંહિતાની આવશ્યકતા છે. કેન્દ્ર સરકારે આ દિશામાં આવશ્યક પગલાં ભરવા જોઇએ.
આ કેસમાં ચુકાદો આપતા ન્યાયમૂર્તિ એમ સિંહે ટીપ્પણી કરી હતી કે, આજનું ભારત દેશ ધર્મ, જાતિ, કોમ્યુનિટીથી ઉપર આવ્યો છે. આધુનિક ભારતમાં ધર્મ, જાતિના અવરોધો ઝડપથી તૂટી રહ્યાં છે. ઝડપથી થઇ રહેલા આ પરિવર્તનને કારણે આંતર-ધાર્મિક આંતર-જાતિના લગ્ન અથવા છૂટાછેડામાં પણ સમસ્યાઓ આવી રહી છે.
દેશમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ થવું જોઇએ જેથી આજના યુવાવર્ગને આ સમસ્યાઓનો સામનો ના કરવો પડે. આર્ટિકલ 44માં યુનિફોર્મ સિવિલ કોડની જે આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી, હવે તે ફક્ત આશા જ રહેવી જોઇએ નહીં પરંતુ તે વાસ્તવિકતામાં પરિવર્તિત થવી જોઇએ.
મહત્વનું છે કે, દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ઘણા સમયથી એક મુદ્દો છે. દેશની અનેકવિધ અદાલતોએ વિવિધ નિર્ણયોમાં કહ્યું છે કે, કાયદામાં સમાનતા લાવવા માટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાના પ્રયાસો કરવા જોઇએ. ભારતીય બંધારણના આર્ટિકલ 44 માં જણાવેલ છે કે ભારતના સમગ્ર ક્ષેત્રના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવા પ્રયત્નો કરવામાં આવશે.