કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
યુનિવર્સિટી કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને યુનિવર્સિટી ઓફ યાર્ક અને યુનિવર્સિટી ઓફ લિવરપુલના સંશોધકોની બનેલી ટીમે કરેલા અભ્યાસના પ્રાથમિક તારણો વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત યુકેના વિવિધ સત્તાવાળાઓને સુપરત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર રસેલ વાઇનરે જણાવ્યું હતું કે આ નવો અભ્યાસ દર્શાવે છે કે બાળકો અને કિશોરોમાં કોરોનાના ચેપને કારણે મોત થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું છે.
સંશોધક ડો.જોસેફ વાર્ડે જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં જણાયું છે કે શ્વેતની સરખામણીમાં અશ્વેત બાળકોને આઇસીયુમાં દાખલ કરવાનું જોખમ વધારે રહે છે. જેમને ડાયાબિટિસ, અસ્થમા અને હ્રદયના રોગો હોય અથવા જેમને એક કરતાં વધારે બિમારીઓ હોય તેવા કિશોરોને આઇસીયુમાં સારવાર કરાવવાનું સૌથી વધારે જોખમ રહે છે. સંશોધકોના મતે 50,000માંથી એક કિશોરને આઇસીયુમાં સારવાર આપવાની જરૂર પડી હતી. મેદસ્વિતાને કારણે કોરોનાની ગંભીર માંદગી થવાનું જોખમ કિશોરો અને બાળકો માટે પણ રહેલું છે.