- કાશ્મીરમાં આતંવાદીઓને મદદ કરવી પડી ભારે
- સરકારી કર્મચારીઓએ કરી હતી આતંકવાદીઓને મદદ
- કરવામાં આવ્યા સસ્પેન્ડ
શ્રીનગર: કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ કાશ્મીરમાં કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો આ આતંકીઓને મદદ કરી રહ્યા છે અને તેના કારણે આતંકી પ્રવૃતિઓ થતી હોય છે. જમ્મુ કાશ્મીરમાં દેશવિરોધી ઘટનાઓને લઇને કાર્યવાહી કરતી વેળાએ 11 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આતંકવાદીઓને મદદ કરનારા તમામ સરકારી અધિકારીઓ વિરુદ્ધ બંધારણના આર્ટિકલ 311 (2)(સી) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આતંકી સલાહુદ્દીનના બે પુત્રોને પણ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા 11 કર્મચારીઓમાંથી 4 અનંતનાગના અને 3 બડગામના છે.
બીજી તરફ અનંતનાગમાં ત્રણ આતંકીઓ ઠાર માર્યા ગયા છે. જેમાં એક આતંકી લશ્કરે તોયબા સાથે જોડાયેલો છે. શ્રીનગર અને પુલવામા તેમજ કુપવાડામાંથી પણ એક એકને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાંથી ચાર શિક્ષણ વિભાગમા, બે જમ્મુ કાશ્મીર પોલીસમાં જ્યારે એક એક કૃષિ, કૌશલ વિકાસ, વિજળી એસકેઆઇએમએસ અને સ્વાસ્થ્ય વિભાગમાં કાર્યરત હતા.
અનંતનાગ જિલ્લાના બે શિક્ષક જમાત-ઇસ્લામી (જેઇઆઇ) અને દુખ્તારન-એ-મિલ્લત (ડીઇએમ)ની વિચારધારાનું સમર્થન કરવા તેમજ પ્રચાર કરવા સહિત રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાનં સામે આવ્યું હતું. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જમ્મૂ-કાશ્મીર પોલીસના બે કોન્સ્ટેબલ પણ સામેલ છે. જેમના પર આરોપ છે કે પોલીસ વિભાગમાં રહીને આતંકવાદનું સમર્થન આપ્યું હતું. અને આતંકીઓને ગુપ્ત માહિતી આપી અને મદદ પણ કરી હતી. એક કોન્સ્ટેબલ અબ્દુલ રાશિદ શિગને ખુદ સુરક્ષા જવાનો પર હુમલા કર્યા હતા.