દિલ્હીઃ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. દરમિયાન જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર પર વીજળી પડી હતી. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં એક કલાકમાં 2.40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓએ પણ આ દૂર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
જયપુર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની સહાયથી અત્યાર સુધી 29 લોકોને આમેર ફોર્ટ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં ભારે વરસાદને લીધે આમેર ફોર્ટ વિસ્તાર ઉપરાંત શહેરના ધોલપુર, બરાન અને ઝાલાવાડમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી.
જયપુરમાં થયેલી ઘટના અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ રાજસ્થાનની રાજધાની જયપુરમાં આમેર ફોર્ટ વિસ્તાર, ઉપરાંત ધોલપુર, ઝાલાવાડ,અને બરાનમાં વીજળી પડવાના કારણે જાનહાની થયેલી ઘટના ઘણું દુ:ખ થયું છે અસરગ્રસ્તોના પરિવારો પ્રત્યે મારી સંવેદના, ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના.’
ભાજપના નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજસ્થાનના ધોલપુર, કોટા, જયપુર, ઝાલાવાડ અને બરાનમાં વીજળી પડવાના કારણે બાળકો સહિત અનેક જાનહાનીના સમાચાર ખૂબ જ દુખદ છે. આ મુશ્કેલ સમયમાં ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થાય અને તેમના કુટુંબોને શક્તિ મળે તે માટે ભગવાનની પ્રાર્થના.