વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડતરરૂપ 5000 વૃક્ષો કપાયા
અમદાવાદઃ રાજ્યમાં વિકાસના નામે વૃક્ષોનું આડેધડ છેડન કરાતું હોય છે. વિકાસના કાર્યો માટે નડતરરૂપ બનતા વૃક્ષો કપાતા હોય છે, પણ તેની સામે વૃક્ષારોપણ થતું નથી. સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાતું હોય છે પરંતુ ત્યારબાદ રોપાઓ ઉછેરવાની યોગ્ય દરકાર કરાતી નથી. એટલે રોપાઓ મુરઝાઈ જાય છે. વધારે પ્રમાણમાં વૃક્ષો કપાવવાના કારણે ગ્રીન કવર ઘટી રહ્યું છે, પર્યાવરણ અસમતોલ બની રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મેટ્રો અને બુલેટ ટ્રેન રૂટમાં આવતાં 5262 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. મ્યુનિ. બગીચા ખાતા દ્વારા વૃક્ષો કાપવાની મંજુરી આપવામાં આવી રહી છે. જો લોકો પોતાની રીતે ઝાડ કાપી નાંખે તો તેની પાસેથી દંડ પેટે રૂ. 1000 તથા વહીવટી ચાર્જ પેટે 1000 વસુલવામાં આવે છે. તેની પાસેથી બોન્ડ લખાવવામાં આવે છે કે તે એકની સામે બીજા 10 વૃક્ષો વાવશે. જો મ્યુનિ.ને એવું લાગે કે આ નાગરિકે 10 વૃક્ષ વાવશે નહી તો પ્રતિ 1 વૃક્ષ 2500 લેખે તેની પાસેથી 10 વૃક્ષના 25000 વસુલી શકે છે. આમ મ્યુનિ. એક વૃક્ષ ગેરકાયદેસર કાપનાર પાસેથી રૂ. 27હજાર જેવી માતબર રકમ વસુલી શકે છે.
સામાન્ય રીતે શહેરમાં જો કોઇ પણ વૃક્ષ કાપવું હોય તો તે માટે મંજુરી આવશ્યક છે. શહેરમાં વર્ષ 2016-17માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 392 વૃક્ષો કપાયા હતા જ્યારે આકસ્મિતરીતે 505 વૃક્ષો ધરાશાયી થયા હતા તથા મંજુરીથી 627 વૃક્ષો કપાયા હતા. વર્ષ 2017-18માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 235 વૃક્ષો કપાયા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 177 વૃક્ષો કપાયા હતા. આકસ્મિતરીતે 656 વૃક્ષો ધરાશાયી થયા હતા. તથા મંજુરીથી 736 વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
વર્ષ 2018-19માં મેટ્રો માટે 250 વૃક્ષો, બુલેટ ટ્રેન માટે 871 વૃક્ષો, આકસ્મિતરીતે 711 વૃક્ષો તથા મંજુરીથી 928 વક્ષો કપાયા હતા. વર્ષ 2019-20માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 77 વૃક્ષો,બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 428 વૃક્ષો, આકસ્મિતરીતે 767 વૃક્ષો ધરાશાયી અને મંજુરીથી 614 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2020-21ના વર્ષમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં નડતરરૂપ 15 વૃક્ષો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડતરરૂપ 2817 વૃક્ષો, આકસ્મિતરીતે 1060 વૃક્ષો અને મંજુરીથી 627 વૃક્ષો કપાયા હતા. આમ પાંચ વર્ષમાં 5000 કરતા વધુ ઘટાટોપ વૃક્ષો કપાયા છે.