ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીની બેદરકારીઃ બે શ્રમજીવીઓને વેક્સિનના એકસાથે બન્ને ડોઝ આપી દીધા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂબેશ ચલાવી લઈ છે. કોરોના પ્રતિરોધક વેક્સિનથી ગંભીર આડ અસરો થઇ રહી હોવાની અફવાના કારણે નાગરિકો વેક્સિન લેવાથી દૂર રહેતા હતા પરંતુ વ્યાપક જાગૃતિ અભિયાનને કારણે નાગરિકો વેક્સિન લેવા માટે લાઈન લગાવી રહ્યા છે આ પરિસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા હેલ્થ કર્મચારીઓની બેદરકારીના કારણે નાગરિકો ગંભીર બેદરકારી નો ભોગ બન્યા છે.
ગાંધીનગરની બાજુમાં આવેલા પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે બે વ્યકિતઓને એકી સાથે વેક્સિનના બે ડોઝ ફટકારી દેવામાં આવ્યા છે એક બાજુ રસીના નામ ના દેકારો બોલી રહ્યો છે ત્યારે એક સાથે બબ્બે ડોઝ ફટકારવાની ગંભીર બેદરકારી સામે આવી છે. પેથાપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ દરમિયાન એક મહિલા અને એક પુરુષને સ્થળ પર એકી સાથે ડોઝ બે અલગ અલગ આરોગ્ય કર્મચારીઓની ગેરસમજના કારણે ફટકારી દેવામાં આવ્યા હતા.
શ્રમજીવી વર્ગના પુરુષ લાભાર્થીને રસીકરણ અંગેની પ્રાથમિક કોઈપણ પ્રકારની સમજ ન હતી અને તેમના આધાર કાર્ડની નોંધણી થાય તે પહેલા તેને પહેલો ડોઝ આપી દેવાયો હતો અને આધાર નોંધણી થયા પછી બીજો ડોઝ આરોગ્ય કર્મચારીએ આપી દીધો હતો. તે પહેલા બે આરોગ્ય કર્મીઓની ગેરસમજના કારણે એક મહિલાને બે ડોઝ આપી દેવામાં આવ્યા હતા આ અંગે મહિલાએ ધ્યાન પણ દોર્યુ હતું પણ સમજે તે પહેલા મોડું થઇ ચુકયું હતું સમગ્ર ઘટનામાં વેક્સિન આપનારા કર્મચારીઓની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. જેના કારણે એક સાથે બે ડોઝ લેનારા લાભાર્થીને આરોગ્ય પર કેવી અસર થશે તે તો સમય જ બતાવશે.