શેર બહાદુર દેઉબા પાંચમી વખત નેપાળના વડાપ્રધાન બન્યા
- શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના વડાપ્રધાન
- 30 દિવસની અંદર ગૃહમાં હાંસિલ કરવો પડશે વિશ્વાસનો મત
- ચાર વખત રહી ચુક્યા છે વડાપ્રધાન
કાઠમંડુ : નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શેર બહાદુર દેઉબાને મંગળવારે પાંચમી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ દેબુની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને બંધારણની કલમ 76 (5) હેઠળ વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. આ પાંચમી વખત છે જ્યારે દેઉબા નેપાળના વડાપ્રધાન તરીકે સત્તા પરત ફર્યા છે.
તેમની નિમણૂક ઉચ્ચ ન્યાયાલય દ્વારા સોમવારે આપેલા નિર્ણયની અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે કે.પી શર્મા ઓલીને દૂર કરીને વડાપ્રધાન પદ માટેના તેમના દાવાને સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયે તેમની નિમણૂક અંગે દેઉબાને માહિતી આપી. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે શપથ ગ્રહણ ક્યારે થશે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે.
આ પહેલા દેઉબા ચાર વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે – પહેલી વાર સપ્ટેમ્બર 1995 – માર્ચ 1997, બીજી વખત જુલાઈ 2001 – ઓક્ટોબર 2002, ત્રીજી વખત જૂન 2004 – ફેબ્રુઆરી 2005 અને ચોથી વખત જૂન 2017 થી ફેબ્રુઆરી 2018. બંધારણીય જોગવાઈ હેઠળ દેઉબાને વડાપ્રધાન તરીકે નિયુક્તિ કર્યાના 30 દિવસની અંદર ગૃહમાં વિશ્વાસનો મત લેવો પડશે.