ભૂજઃ કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે મંગળવારે સાંજના સમયે સીમમાં ચરી રહેલી બકરીઓ પર આકાશી વીજળી ત્રાટકતાં 55 જેટલા બકરી-બકરાંઓના મોત થયા હતા. માતા મઢ નજીક બકરીઓના વગ પર ધડાકાભેર વીજળી પડી હતી. આ બકરી ચરાવતા માલધારી વિજયસિંહ સોઢા ઘટના સ્થળેથી ત્રણસો મીટર દૂર બેઠા હતા તેની આંખોની સામે આ વીજળી પડવાની ઘટના બની હતી એવું માલધારીએ જણાવ્યું હતું. માતાના મઢના તલાટી-મંત્રી અશ્વિન સોલંકીએ ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. સાથે સોઢા કેમ્પના પ્રવીણસિંહ સોઢા તેમજ સાંગાજી સોઢા પંચ તરીકે હાજર રહ્યા હતા. આ આકાશી વીજળી પડતાં માલધારી પર આભ ફાટયું હતું. તેમના જણાવ્યા પ્રમાણે અઢીથી ત્રણ લાખનું નુકસાન થયું છે.
કચ્છમાં કચ્છી નવા વર્ષેના પ્રથમ પ્રહરે જ જિલ્લા મથક ભુજ પર ત્રણ ઇંચ મેઘમહેર થયા બાદ મંગળવારની સવારે પણ એ સિલસિલો જારી રાખીને મેઘરાજાએ સવારે સાડા છ વાગ્યે જ એન્ટ્રી લીધી હતી અને રાજમાર્ગના રસ્તાઓ પાણી ભરાયા હતા. નખત્રાણા તાલુકામાં પણ મેઘરાજાની શાહી સવારી પહોંચી હતી અને કચ્છભરમાં દિનભર ધૂપ-છાંવ વચ્ચે ઝાપટાં વરસવાનું ચાલુ રહેતાં હરખના વરસાદે કચ્છીઓને’ આનંદિત કર્યા હતા.
જો કે, વરસાદની સાથે સાથે માતાના મઢની સીમમાં આકાશી વીજળી પડતાં 55 બકરીનાં મોત નીપજ્યાં હતાં.જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણામાં’ દિવસ દરમિયાન 41, ભુજમાં’ વહેલી સવારે, બપોરે અને સાંજે જોરદાર ઝાપટાં સાથે 34, મુંદરા-31, માંડવી-24, અબડાસા-17, લખપત-16 અને રાપરમાં માત્ર-3 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આષાઢી બીજથી શરૂ થયેલી મેઘરાજાની શાહી સવારી ધીમી ધારે વરસી રહી છે. સમગ્ર પંથકમાં ભારે ઉકળાટ બફારો તેમજ વરસાદી આળંગ વચ્ચે સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.
નખત્રાણાના બેરૂ, મોસુણાના ડુંગર વિસ્તારમાં વરસાદ પડતાં નખત્રાણાના બસ સ્ટેશન પર ભારે ટ્રાફિક જામ થયો હતો. વાહનોની લાંબી કતારો રસ્તાની બંને તરફ લાગી હતી. તો આ ટ્રાફિક ખુલ્લો કરાવવા ટ્રાફિક પોલીસને નાકે દમ આવી ગયો હતો.બસ સ્ટેશન પાસેનો છેલો જે મુખ્ય બજારમાંથી પસાર થાય છે તેમાં પણ જોશભેર પાણી વહ્યા હતા. નખત્રાણામાં ઓછો વરસાદ હતો પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદથી છેલામાં પૂર આવતા વેપારીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.