સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. જાહેર પરિવહનની સેવાઓ પણ રાબેતા મુજબ બની રહી છે.ત્યારે પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી એરલાઈન્સ દ્વારા પોતાની ફ્લાઈટનું ઓપરેશન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી 23મી જુલાઈથી સુરત એરપોર્ટથી 15 શહેરોની કનેક્ટીવિટી સાથે રોજની 8 થી 13 ફ્લાઈટનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલ તારીખ 16 જુલાઈથી બે ખાનગી એરલાઈન્સની લગભગ 9 શહેરોને જોડતી ફ્લાઈટ કાર્યરત થઈ રહી છે. જે પૈકી દિલ્હીની ડેઈલી જ્યારે પુણા, હૈદરાબાદ, કોલકત્તા, જબલપુર, બેંગલુરુ વગેરેની ફ્લાઈટ અઠવાડિયામાં 3 થી 4 દિવસ ઓપરેટ થશે. મળતી માહિતી પ્રમાણે, 15થી વધુ શહેરોની એરકનેક્ટીવિટી સાથે તા.23મી જુલાઈથી રોજની 8 થી 13 ફ્લાઈટ એક દિવસમાં ઓપરેટ થવાની છે. મંગળવારે જ એક સાથે ઓપરેટ થયેલી 9 ફ્લાઈટના કારણે 2000થી વધુ પેસેન્જર્સની સુરતથી અવર-જવર નોંધાઈ છે. આ આંકડો હવે વધે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.
સુરત એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ તા.23મી જુલાઈ બાદના સોમવારે 13, મંગળવારે 9, બુધવારે 13,ગુસ્વારે 10, શુક્રવારે 13, શનિવારે 8 અને રવિવારે 11 ફ્લાઈટ ઓપરેટ થશે. જેમાં ગોવા, કોલકત્તા, જબલપુર, જયપુર, દિલ્હી, હૈદરાબાદ સહિતની ફ્લાઈટનો સમાવેશ થાય છે.સુરત એરપોર્ટ પર એર ટ્રાફિક આગામી દિવસમાં વધવાનો છે. આ વચ્ચે ચોમાસાની સિઝનના કારણે વરસાદ પડતાં ફ્લાઈટને ટેક ઓફ કે લેન્ડ કરતી વખતે અકસ્માત નહીં સર્જાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાપી(પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડીકેટર) સિગ્નલ લાઈટનું મેઈન્ટેનેન્સ હાથ ધરવામાં આવ્યું છે. તેના આધારે ફ્લાઈટને ઉતરાણ કરાવવા માટે સિગ્નલ મળી રહેશે.