ગાંધીનગરના ભાટ-નભોઈની સાબરમતી નદીમાં રેતીની ચોરી કરતા ભૂમાફિયા પર સપાટો, કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરઃ રાજ્યમાં ગેરકાયદે ખનન વ્યાપક બની રહ્યું છે, ત્યારે સરકારે પણ ખનન માફિયા સામે લાલા આંખ કરી છે, ગાંધીનગર જિલ્લાની સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે ભાટ-નભોઈ સાબરમતી નદીમાં ઓચિંતી રેડ પાડીને ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરનાર 7 ટ્રેકટરો તેમજ બે ડમ્પર ટ્રકને ઝડપી લઈ કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. અચાનક જ ભૂસ્તર ટીમ ત્રાટકતા જ રેતી ચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે સાબરમતી નદીમાંથી બેફામ રીતે રેતીની ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો મળી આવતા મદદનીશ ભૂસ્તર અધિકારી દ્વારા સ્ટાફના માણસોને કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન-ખનિજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર દેવયાનીબા જાડેજા તેમજ ક્ષેત્રીય ટીમ દ્વારા ભાટ-નભોઈ સાબરમતી નદીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી.અચાનક ભૂસ્તર તંત્રની ટીમ ત્રાટકતા જ નદીમાં ગેરકાયદેસર રેતીની ચોરી કરનાર ઈસમો ટ્રેકટરો લઈને ભાગવા લાગ્યા હતા. જોકે, અગાઉથી પૂરી તૈયારીઓ સાથે ગયેલી ભૂસ્તરની ટીમે ચારે દિશાથી ભૂમાફિયાઓને કોર્ડન કરી લીધા હતા અને સાત ટ્રેકટરો ઝડપી લેવામાં આવ્યા હતા. ભૂસ્તર તંત્રની ટીમની આકસ્મિક રેડના પગલે અન્ય સ્થળોએ ગેરકાયદેસર રેતી ચોરી કરનાર ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ અંગે મદદનીશ ભૂસ્તર અધિકારી વિપુલ સોલંકીએ જણાવ્યું હતું કે, ટીમ દ્વાર સાબરમતી નદીમાં આકસ્મિક ચેકીંગ કરીને 7 ટ્રેકટરોને સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન કરી નિકાસ કરતા ઝડપી લેવામાં આવ્યા છે. જે અંગે વિગત વાર ચકાસણી કરતા કુલ રૂ. 37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તે સિવાય રાત્રિ દરમિયાન પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરમિયાન બે ડમ્પર ટ્રક પણ ગેરકાયદેસર રીતે જતી મળી આવી હતી. જેની તલાશી લેતાં એક ડમ્પર રોયલ્ટી વગરનું તેમજ બીજું ડમ્પર ઓવરલોડ ખનિજનું વહન કરતાં મળી આવ્યું છે. જેનાં પગલે કુલ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ત્યારે ચાલુ મહિના દરમિયાન 20 કેસ કરવામાં આવ્યા છે જેની વસુલાત પ્રક્રિયા ચાલુ છે. જ્યારે અત્યાર સુધી બિન અધિકૃત વહનના કુલ 60 કેસ કરીને રૂ. 60 લાખની વસુલાત કરાઈ ચૂકી છે.