કહેવાતા સભ્ય સમાજની વરવી વાસ્તવિકતાઃ કોરોના કાળમાં વૃદ્ધાશ્રમો હાઉસફુલ, લાંબુ વેઈટિંગલિસ્ટ
અમદાવાદ: ભારતીય સમાજ – પરિવારમાં માત-પિતાનું સ્થાન સર્વોચ્ચ ગણાય છે, પણ બદલાતા સમય સાથે સભ્ય સમાજમાં પણ પરિવર્તન આવતું જાય છે. જે માતા-પિતાએ પોતાના બાળકને દુઃખ વેઠીને પણ ભણાવી-ગણાવીને સારી નોકરી કે ધંધામાં સેટ કરી દીધો હોય, તે દીકરો પરણ્યા બાદ જ્યારે પોતાની જવાબદારી નિભાવવાનો વખત આવે ત્યારે પોતાના ઘરડા માત-પિતાને તરછોડી દેતા હોય છે. જોકે બધા જ પરિવારોમાં આવું બનતું નથી પણ કેટલાક પરિવારોમાં આવું બની રહ્યું છે. અને એવા પરિવારોની સંખ્યા વધી રહી છે. એટલે જ વૃદ્ધાશ્રમની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. કોરોના કાળ અને ત્યાર બાદ એવી સ્થિતિ ઊભી થઈ છે, કે હાલ મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગની સંખ્યા વધી ગઈ છે.
રાજ્યમાં અમદાવાદ સહિત તમામ શહેરોના વૃદ્ધાશ્રમમાં દિવસે દિવસે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે વેઇટિંગની સંખ્યા વધી રહી છે. એક સર્વે મુજબ એવું તારણ બહાર આવ્યું છે કે કોરોના કાળ દરમિયાન વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ વધી ગયું છે. તેની પાછળ મુખ્ય કારણ પરિવાર મોટો અને ઘર નાનું જવાબદાર છે. આવક ઓછી અને સભ્યો વધારે, ઘર કંકાસ ,મનભેદ, જનરેશન ગેપ અને વડીલોને સાથે ન રાખવાની વૃત્તિ આ તમામ પરિસ્થિતિઓના કારણે જ સંતાનો પોતાના માતા પિતાને સાથે રાખવા તૈયાર હોતા નથી. એક સર્વે મુજબ અમદાવાદ શહેરમાં 40 જેટલા વૃદ્ધાશ્રમો આવેલા છે. જેમાં પહેલા 1230 લોકોનું વેઇટિંગ હતું. જે કોરોના કાળ માં વધીને આંકડો 2000 પહોંચ્યો છે. તમામ વૃદ્ધાશ્રમોમાં બે હજાર જેટલું વેઇટિંગ બધું છે. વૃદ્ધાશ્રમના સંચાલકો નું પણ કહેવું છે કે હવે ઘણી બધી ઇન્કવાયરી ઓફ ધી રેકોર્ડ છે.
જ્યારે પોતાના દીકરાઓ દ્વારા માતા-પિતાને વૃદ્ધાશ્રમોમાં મોકલવામાં આવે છે ત્યારે તે લોકોની માનસિક સ્થિતિ પણ ખૂબ જ બગડી જતી હોય છે. કેમ કે મનમાં એક દુઃખ હોય છે કે જેને મુસીબતોથી મોટા કર્યા તે સંતાનોએ સેવા-ચાકરી ન કરવી પડે તે માટે તેમને વૃદ્ધાશ્રમમાં રવાના કરી દીધા. નાનપણમાં બાળકની તમામ જવાબદારી માતા પિતા પૂર્ણ કરતા હોય છે. પરંતુ જ્યારે તે મોટા થાય છે ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તે વેદના સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમને પણ ઘરની યાદ આવે છે માટે જ તે ભગવાનને હંમેશા પ્રાર્થના કરે છે કે કોઈપણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન આવવું પડે. વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ વધવું એ સારી વાત નથી. માતા-પિતા બાળકોને ઉછેરવામાં થોડી પણ કચાશ રાખતા નથી. ત્યારે જીવનના પાછલા દિવસોમાં માતા-પિતા રાખવાનું કેમ સંતાનોને ગમતું નથી. આશ્રમમાં ભલે ઘર જેવું વાતાવરણ હોય પરંતુ વડીલો પોતાના પરિવારને આજે પણ ઝંખી રહ્યા છે. તેમની આંખોના ખૂણા ભીના છે અને આંખો તેમના સંતાનની રાહ જોઈ રહી છે.