દેશના એકમાત્ર સિંહોના બ્રિડીંગ સેન્ટર જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 5 વર્ષમાં 52 સિંહબાળનો જન્મ થયો
જૂનાગઢઃ શહેરના સક્કરબાગ ખાતે ચાલુ વર્ષ 2021માં 14 સિંહબાળનો જન્મ થયો છે. દરમિયાન હજુ 5 મહિના બાકી હોય વધુ સિંહબાળ જન્મ લેશે. પરિણામે અગાઉના વર્ષોનો રેકોર્ડ પણ તૂટી શકે તેવી સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઇ રહી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના 150 વર્ષ જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રતિ વર્ષ દેશ વિદેશથી લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને વન્યપ્રાણીઓ નિહાળી આનંદિત થાય છે.
જુનાગઢના સક્કરબાગ ખાતે દેશનું એકમાત્ર સિંહોનું બ્રિડીંગ સેન્ટર કાર્યરત છે. અહિં અધિકારીઓની સારી માવજત અને દેખરેખના કારણે સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં સક્કરબાગ સ્થિત સિંહોના બ્રિડીંગ સેન્ટરમાં કુલ 52 જેટલા નવા તંદુરસ્ત સિંહબાળનો જન્મ થયો છે. એમાં પણ ગત વર્ષ 2020માં 24 સિંહબાળનો જન્મ થયો હતો જે એક રેકોર્ડ છે. 2021માં માત્ર 7 માસમાં જ 14 સિંહબાળનો જન્મ થયો છે. દરમિયાન હજુ 5 માસ બાકી હોય કદાચ ગત વર્ષનો રેકોર્ડ તૂટી પણ શકે તેવી શક્યતા નકારી શકાય નહિ. અત્યાર સુધીમાં જન્મેલા તમામ સિંહ બાળ તંદુરસ્ત હોવા ઉપરાંત સક્કરબાગ વેટરનરી ટીમના અધિકારીઓ સિંહબાળ પર સતત દેખરેખ રાખી રહ્યા છે પરિણામે તમામ સિંહબાળનો સારી રીતે ઉછેર થઇ રહ્યો છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગર્ભવતી સિંહણોનું વેટરનરી ડોકટરો દ્વારા સતત મોનીટરીંગ કરાય છે. સિંહણ પોતાની રીતે એકલી પડી જાય તો તને આઇસોલેશન કરી દેવામાં આવે છે. સાથે તેના ખોરાક અને દવાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે જેથી તે સરળતાથી તંદુરસ્ત સિંહબાળને જન્મ આપી શકે. સિંહોના બ્રિડીંગ દરમિયાન જન્મ લેનાર સિંહોને જંગલમાં છોડવામાં આવતા નથી. તેમને અહિં ડિસ્પ્લેમાં રખાય છે કે પછી બીજા પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવાય છે.
એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ 80 એશિયાટીક સિંહોને દેશ વિદેશમાં મોકલવામાં આવ્યા છે જે ત્યાંના ઝૂની શોભા વધારી રહ્યા છે. જ્યારે ત્યાંથી અવનવા પશુ, પક્ષી લાવવામાં આવે છે. અહીં જીન પુલમાં છે તેમાં પણ બીજા પ્રાણીઓ માટે બ્રિડીંગ સેન્ટર ચલાવાય છે. સક્કરબાગ ખાતે હાલ 24 નર સિંહ, 35 માદા સિંહણ અને 14 સિંહબાળ છે. આમ, કુલ 73 વન્યપ્રાણીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છે. વર્ષ 2017માં 2, 2018માં 5, 2019માં 7, 2020માં 24 અને 2021માં જૂલાઇ સુધીમાં 14 સિંહબાળના જન્મ થયા છે. આમ, છેલ્લા 5 વર્ષમાં કુલ 52 સિંહબાળનો જન્મ થયો છે.