ધો. 8થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં નહીં આવે તો શાળા સંચાલકો આંદોલન કરશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નોંધપાત્ર ઘટી જતા સરકાર દ્વારા ક્રમશઃ નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. ધો.12થી લઈને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની સરકારે અનુમતી આપી દીધી છે. પણ ધોરણ 1થી 11 સુધીની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની હજુ સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ તમામ શાળાઓ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે તમામ વ્યવસાય અને સરકારી વિભાગને શરૂ કરવા માટે મંજૂરી આપાઈ છે. કોરોનાના કેસ પણ હવે ઘટી રહ્યા છે ત્યારે હવે બાળકોના ભવિષ્યની ચિંતા કરીને કોઈ વિલંબ કર્યા વિના તમામ શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવી જોઈએ. ધોરણ 9 થી 11 નો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ માટે ખુબજ અગત્યનો છે.જેથી તેની અવગણના ના કરી શકાય.હવે રાજ્યમાં તમામ જિલ્લાના શાળા સંચાલક અને શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને રજુઆત કરશે.જો સરકાર આ બાબતે સરકાર રજૂઆત નહીં સાંભળે તો શાળા સંચાલક મંડળે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. ઘાતક નીવડેલી બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોમાં ભારે ઘટાડો નોંધાયો છે અને 15 જુલાઈથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ સારીરીતે ભણી શકતા નથી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે. ધોરણ 8થી 11 સુધીની શાળાઓ શરૂ થાય તે વિદ્યાર્થીઓના હિતમાં છે એવું શાળા સંચાલકોનું માનવું છે. શાળા સંચાલકો સરકારની ગાઈડલાઈનનું ચુસ્તરીતે પાલન કરવાનું કહી રહ્યા છે. સરકારે જીમ, સ્વિમિંગ પુલ અને મલ્ટિપ્લેક્સ થિયેટરો ખોલવાની પણ મંજુરી આપી દીધી છે તો શાળાઓ ખોલવાની મંજુરી કેમ નથી અપાતી. સરકારે વહેલી તકે ધોરણ 8થી11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપવી જોઈએ તેવી શાળા સંચાલકોએ લાગણી વ્યક્ત કરી હતી.