અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નગરસેવકો માટે બે કરોડના ખર્ચે અદ્યત્તન HD લેપટોપ ખરીદશે
અમદાવાદઃ કોરોનાને લીધે શહેરના મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો હતો. અને મ્યનિની આવક કરતા જાવક વધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર અને સુવિધાઓ પાછળ 600 કરોડથી વધુનો ખર્ચ કરી ચુકી છે. કોરોનામાં કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ જતા કેટલાક ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા ભાજપના શાસકોએ પ્રજાના પૈસે જલસા કરવાનું નક્કી કર્યું હોય તેમ ખર્ચ પર કાપ મુકવાની જગ્યાએ ખર્ચ કરવા લાગ્યા છે. નવા નિમાયેલા ભાજપ, કોંગ્રેસ અને AIMIMના કુલ 192 કોર્પોરેટર અને કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ માટે રૂ. બે કરોડના ખર્ચે HD લેપટોપ ખરીદવા માટે ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ અને i7 પ્રોસેસરના એકદમ ટેકનોલોજીયુક્ત લેપટોપ ખરીદવામાં આવશે. એકતરફ ખર્ચ ઓછા કરી થર્ડ વેવમાં દર્દીઓને વધુ સારી સારવાર આપવા માટે પૈસા બચાવવાની જગ્યાએ આ રીતે લેપટોપ ખરીદવા અત્યારે શું જરૂરી છે? એવા પ્રશ્નો નાગરિકો ઉઠાવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં નવા નિમાયેલા કોર્પોરેટરોને લેપટોપ અને મોબાઈલ આપવાની પ્રથા વર્ષોથી ચાલી છે. લેપટોપ ફાળવ્યા બાદ તેને પરત કરવાની શરત મુકાય છે પરંતુ કોર્પોરેટરો તો પોતાના ઘરના લેપટોપ હોય તેમ દીકરા દીકરીને વાપરવા આપી દે છે અને પછી ઘરમાં જ રાખી મૂકે છે. કોરોનાકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ છે. માત્ર પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્સની જ આવકથી હવે કોર્પોરેશન ચાલે છે ત્યારે ભાજપના નવા નિમાયેલા શાસકોએ પ્રજાના પૈસે જલસા કરવાનું નક્કી કરી લીધું છે. રૂ. બે કરોડના ખર્ચે ભાજપના 160, કોંગ્રેસના 24 અને AIMIMના 7 કોર્પોરેટર તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ માટે 265 જેટલા HD લેપટોપ ખરીદવામાં આવશે. છેલ્લા પાંચેક વર્ષથી ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે લેપટોપ પર કરવામાં આવતા કામ હવે મોબાઈલ પર થઈ જાય છે. લેપટોપ પર થતા કામ મોબાઈલથી થાય છે ત્યારે પ્રજાના પૈસે આવા કોરોનાકાળમાં કરોડો રૂપિયાના લેપટોપ ખરીદવા કેટલા યોગ્ય છે?
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટર પૈકી કેટલાક કોર્પોરેટર આર્થિક રીતે એટલા સધ્ધર છે કે તેઓ પોતાના ખર્ચે લેપટોપ અને મોબાઈલ ફોન ખરીદી શકે છે. ત્યારે શું આવા સધ્ધર કોર્પોરેટર અને અધિકારીઓ લેપટોપ ન લઈ બચતનું ઉદાહરણ પૂરું પાડશે? કોરોનાકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એકતરફ આવકનું સાધન એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ તેમાંથી અનેક કામો થાય છે. મ્યુનિસિપલ તંત્રમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ થકી મળતી કરોડો રૂપિયાની સહાયને પણ અસર પડી છે. અનેક પ્રોજેકટ પડતા મુકવા પડ્યા છે પરંતુ નવા નિમાયેલા ભાજપના શાસકો હવે કરોડોના કામો અને ખર્ચો કરી ફરી પ્રજાના પૈસે જલસા કરવાનું શરૂ કર્યું છે.