ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોને પસંદ કરાશે?, પંકજકુમાર અને રાજીવ ગુપ્તા નામ ચર્ચામાં
ગાંધીનગરઃ રાજ્યના ચીફ સેક્રેટરી પદ માટે 1986 બેચના ગુજરાત કેડરના સિનિયર ઓફિસર પંકજકુમાર નિયુક્ત થાય એવી શક્યતા છે. પંકજકુમાર હાલમાં ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. હાલના મુખ્ય સચિવ અનિલ મુકિમનું એક્સટેન્શન પૂરું થઈ રહ્યું છે. એ જોતાં એક સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાત સરકારને નવા મુખ્ય સચિવ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના હાલના મુખ્ય સચિવ અનિલ મુકિમ ઓગસ્ટ 2020માં વયનિવૃત્ત થયા હતા, પરંતુ કેન્દ્ર સરકારે તેમને બે વખત છ-છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. તેમનો એક્સટેન્શનનો સમયગાળો 31મી ઓગસ્ટએ પૂર્ણ થાય છે, એટલે કે ગુજરાત સરકારની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર 1લી સપ્ટેમ્બર પહેલાં, એટલે કે 30 કે 31 ઓગસ્ટે નવા ચીફ સેક્રેટરી તરીકેનો નિર્ણય લઇ શકે છે. ચીફ સેક્રેટરીના પદ માટે પંકજકુમાર સાથે રાજીવકુમાર ગુપ્તા પણ રેસમાં છે. તેઓ હાલમાં ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પણ પંકજકુમાર જેટલા જ સિનિયર ઓફિસર છે. તેઓ પણ 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા એમ બંને ઓફિસરો મે 2022માં વયનિવૃત્ત થાય છે.
ચીફ સેક્રેટરીના પદ માટેના વધુ એક દાવેદાર ડો. ગુરુપ્રસાદ મહાપાત્ર હતા અને તેઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ગયા હતા, પરંતુ કોરોના સંક્રમણને કારણે તાજેતરમાં તેમનું દુ:ખદ નિધન થયું હતુ. મુખ્ય સચિવના પ્રબળ દાવેદાર એવા પંકજકુમારનું મૂળ વતન પટના-બિહાર છે. તેઓ આઈઆઈટી કાનપુરમાં સિવિલ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. એ ઉપરાંત પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે એમબીએ કર્યું છે. બીજી તરફ, અલાહાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તા પોલિટિકલ સાયન્સમાં એમએ થયેલા છે. ઇન્ટરનેશનલ લૉમાં તેમણે પીએચ.ડી કર્યું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ટોક્યોમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને એન્વાયર્નમેન્ટલ ગવર્નન્સમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે.
ગુજરાત સરકારે મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. મુકિમને આ બીજું એક્સટેન્શન અપાયું છે. અગાઉ પણ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન અપાયું છે. 1985 બેચના સનદી અધિકારી મુકિમ ડિસેમ્બર 2019માં ગુજરાતના મુખ્ય સચિવપદે આવ્યા હતા. ગુજરાત સરકારે હાલમાં ગુજરાતમાં કોરોના સંક્રમણ, રાજ્યના આગામી બજેટ અને ચાલી રહેલી ચૂંટણીઓના સંદર્ભે કેન્દ્ર સરકારને અરજી કરીને તેમને વધુ એક એક્સટેન્શન આપવા માટે અરજી કરી હતી. આ અરજી સ્વીકારાઇ જતાં હવે તેઓ ઓગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતના મુખ્ય સચિવ રહેશે.