Pegasus સોફ્ટવેરથી જાસૂસીના રિપોર્ટને ખુદ સોફ્ટવેર બનાવતી NSO ગ્રુપે ફગાવ્યો, જાણો શું કહ્યું?
- ઇઝરાયલના પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસીનો મામલો
- પેગાસેસ સોફ્ટવેર નિર્માતા NSO ગ્રુપે પણ મીડિયા રિપોર્ટ ફગાવ્યા
- આ રિપોર્ટ વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને તથ્યવિહોણા છે
નવી દિલ્હી: ઇઝરાયેલી ટેક કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશના પત્રકારો અને કાર્યકરોની જાસૂસીના મીડિયા રિપોર્ટને ભારત સરકારે તથ્ય વગરના ગણાવીને ફગાવી દીધા છે. ભારત સરકાર બાદ હવે Pegasus બનાવનારા NSO ગ્રૂપે પણ પોતાના સોફ્ટવેર દ્વારા લોકોની નિગરાણી સંબંધિત ફ્રાન્સના મીડિયા રિપોર્ટને ફગાવ્યો છે.
આ અંગે NSO ગ્રૂપે કહ્યું છે કે, મીડિયા દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટના હવાલાથી ભારત સહિત વિશ્વના અનેક મીડિયા હાઉસે જે ખબર પ્રસારિત કરી છે તે ખોટી ધારણાઓ પર અને અપુષ્ટ સિદ્વાંતો પર તૈયાર કરાયેલ છે. જે સૂત્રોની વિશ્વસનીયતા પર શંકા પેદા કરે છે.
તે ઉપરાંત રિપોર્ટ જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે અજાણ્યા સૂત્રો દ્વારા અપાયેલા જાણકારીનો કોઇ તથ્યાત્મક આધાર નથી અને રિપોર્ટ વાસ્તવિકતાથી બહુ જ દૂર છે. કંપનીના પ્રતિનિધિ અનુસાર, NSO ગ્રુપ રિપોર્ટમાં રહેલા દરેક દાવાને સંપૂર્ણ રીતે ફગાવે છે. કારણ કે ન તો તેનો કોઇ તથ્યાત્મક આધાર છે, અને ન તો તેની પ્રમાણિકતા માટે કોઇપણ પ્રકારના દસ્તાવેજનો હવાલો અપાયો છે.
NSOના પ્રવક્તાએ કહ્યું કે, તેમની સંસ્થાન આ તથ્યવિહોણા રિપોર્ટને બહાર પાડનારા વિરુદ્વ માનહાનિનો કેસ કરવાનું વિચારી રહ્યું છે. ગ્રુપે એ પણ સ્પષ્ટતા કરી છે કે તે પોતાનું સોફ્ટવેર અપરાધ અને આતંકી ગતિવિધિઓને રોકવા માટે ફક્ત એ જ દેશોની સરકારી ગુપ્તચર એજન્સીઓને વેચે છે જેમનો એકમાત્ર હેતુ ફક્ત લોકોના જીવ બચાવવાનો હોય છે.
એક મીડિયા રિપોર્ટમાં એમ જણાવાયું છે કે, તેમની પાસે રહેલા ડાટા NSOના સર્વરથી લીક થયો છે. જ્યારે કંપની અનુસાર NSOના સર્વર પર એવો કોઇ ડેટા હતો જ નહીં. આ રિપોર્ટને ફગાવવાનું બીજું એક કારણ એ છે કે જે ન્યૂઝ સોર્સના આધાર પર તૈયાર કરાયો છે તે બધો પહેલાથી જ ઇન્ટરનેટ પર હાજર છે.
એ જ પ્રકારે રિપોર્ટ્સમાં જે HLR LOOKUP SERVICESની વાત કરાઇ છે તે ક્યારેય Pegasus કે NSO ગ્રુપની કોઇપણ પ્રોડક્ટની સૂચિમાં હતી જ નહીં.